86 - અલવિદા / ભાનુપ્રસાદ પંડ્યા
ત્વરિત ઝબકી જાગી ઊઠે કુમાર સુખાસને
ચરણ ઊપડે પાછાં થંભે પલેપલ કંપતાં !
ડગમગ થતો ઝાંખો દીવો વદે ક્ષણ દેખવા –
શયનગૃહમાં, પોઢી દેવી લઈ શિશુ સોડમાં !
અરવ પગલે પાસે આવી જુએ દ્રય-સુપ્તને,
સભર ઊભરી રાજ્ઞી અંગે અહા, મૃદુ કૌમુદી !
તનુજ મુખપે ગાલે ભાલે ગુલો અવલોકતાં –
હૃદય ધબકી રોકી દેતું જતાં યુવરાજને !
‘અહહ, કુસુમો ખીલ્યાં ભોરે ખરે......
જ્યમ સાંજરે,
મનુજ-કુલનાં આ સૌંદર્યોતણી પણ એ ગતિ ?
નહિ જ વિરમે વિશ્વે ફેલી કદી જીભ કાળની ?
યુગ-યુગ સુધી આ સૌંદર્યો રહે નવ ખીલતાં ?
ગમન કરવું એ આનંત્યે હવે નહિ થંભવું ?
શિશુ, અલવિદા ! આજ્ઞા,
દેવી ! સુધા જઉં શોધવા !
0 comments
Leave comment