3 - ટૂંકી ટચરક વાત કબીર / વૃક્ષ નથી વૈરાગી / મિહિર ભુતા


   કાવ્ય કોણ છે ? ક્યાંથી ઉપજે છે ? ક્યાં જઈ વિરમે છે ? ક્યાં વિચરે છે ? કોને વરે છે ? એ અનુપમ સૌંદર્યવતિનાં મુખ, બાહુ, કુચ, કટિ, નિતંબનાં શા લક્ષણો છે ? હે શ્રૌત-સમ્રાટ કર્મોના અનુરાગી મુની વૈશંપાયન, અમારી આ શંકાઓનું નિરસન કરી વંશની સાતમી ગ્રંથીમાં બેઠેલી ઉચ્ચૈશ્રવા અમારી સાહિત્ય વાસનાનો મોક્ષ કરો, એમ જ્યારે નૈમિષારણ્યના ભોળા તાપસોએ પૂછ્યું ત્યારે નિર્ભ્રન્ત બાલઋષિએ મુખ લુછ્યું. સ્વયં ઈશ્વરનો સાક્ષાત્કાર સુલભ કરનાર વેદવ્યાસ દ્વૈપાયન પણ એ રૂપસીને વિષયે મૌન ધરી રહ્યા. પ્રબુદ્ધ વાસુદેવ પણ કાવ્યને વિસરી એ તિલોત્તમાના વાહન એવા અનુષ્ટુપનો મહિમા કરી.... રહ્યા. મુર્ધન્યોની મુર્ધામાં પ્રગતિને મંચ-સંચને કેવલ રતિરંભ આપનારી વારાંગનાઓ જેવી અતિકેલિના કવિતાઓની ભીડમાં ક્યાં શોધવી તને હે શુભ્રા ?

   નૈમિષારણ્યનાં તાપસો અમારા સ્કંધ પર આવી બેસે છે. અમારા વક્ષ પર પદાઘાતો કરતા અમને કાવ્યરમણીની ખોજમાં દોડાવે છે. ગીરા ગુર્જરીનાં બે’ક કાવ્યમીઠાધીશો અને એ મહદજનનાં સુમુખ અનુયાયીઓના સુમહોજ્જ્વલ કાવ્યાલયના ખૂણે ખૂણા તપાસે છે અને મમ સ્કંધસ્થો. અહીં વિચારતી શબ્દલતિકાઓનાં પ્રસાધનાચ્છાદિત બિંબના દર્શને તેઓ સ્વયંના કર્ણદ્વય પર પ્રત્યેક કરતલ દબાવી સજલ મુખે નેતિ નેતિ રટી રહે છે.

   એ સુભગા આ વિલાસગૃહોની પ્રસાધનાચ્છાદિત નટીઓની ભીડમાં નથી વસતી. લોલુપ ભાવકોના કરતલ ધ્વનિના તાલે નથી નર્તતી લજ્જારમ્ય એ અનસૂયા. પુષ્પકોમલ મુષ્ઠિકાના પ્રહારે વક્ષમાં પ્રચંડ ભૂકંપ ભરનારી એ માયા અશ્રુતાલમાં ખિલ્યાં હાસનાં કમલમાં વિરાજે છે. સચરાચરમાં પ્રવાહિત તરંગોથી જે નિરંતર આંદોલિત થાય છે એવા મનુજનાં હાર્દિક ઉદગારોથી વિભૂષિત એ છલા વિદ્યુત સમ પલ પલમાં રમે-વિરમે છે.

   પ્રાસાનુંબંધિત, છંદાનુંગઠિત શબ્દસંપુટ જો ઉત્પીડિત હૃદયોનાં રુદનથી રિક્ત હોય તો એ કાવ્ય નથી. ઈતિહાસની અગણિત કાવ્ય શ્રેણીનું અવલોકન કરીને સ્કંધસ્થ તાપસો નિર્ણય બાંધે છે. વાસવીસંતાનો પરસ્પર અને સૃષ્ટિ સંગે માત્ર પીડાના બંધ વડે બંધાયેલાં છે. એ પીડા જ કાવ્યરમણીનો કામાર્દ્ર દેહ છે.

ટીપે ટીપે તરણા ફૂટે, શ્વાસે શ્વાસે શમણા
આમ આયખું સાવ સનાતન, આમ જુઓ તો ભ્રમણા

શ્વાસ સળગતા સૌએસૌના કોને દેવી હામ ?
કેમ ઉકેલું ? કેમ ઉકેલું ? વણચીતરેલાં નામ.

પીડા ક્યારેક ભય છે, ક્યારેક સ્વાનુભૂતિ

એય છૂટી જાય ના એ બીકમાં જિવ્યા હતા
એક મુઠ્ઠી જેટલી ઉમ્મીદમાં જિવ્યા હતા
હા, અમે પણ પાંખથી છૂટલ પીંછાઓ હતા
હા, અમે પણ સાવ ઉજ્જડ નીડમાં જિવ્યા હતા.

પીડા ક્યારેક અંગુષ્ઠ પ્રમાણ આત્માની આર્ત છે, ક્યારે સકલનો વિરાટ ચિત્કાર છે.

અલગ હશે અંધારું, એનું અલગ હશે અંધારું
અંજવાળું બેફામ વહે પણ આંખોથી પરબારું.

એની અંદર ઊગી નીકળતું અંધારાનું ગામ
પંખી, પર્વત, ઝરણાં સઘળું એને કેવળ નામ
એનું એના સ્પર્શ જેટલું બાકી તારું-મારું..

પીડા કવચિત આલ્હાદ બનીને ઊભરાય છે.

સીમ તણી સેંથીમાં આંજી કેસુડાંની લાલી
પવન વસંતી ચાલ્યો ચાલી મહેક વસંતી ચાલી

ચાલ્યા ઉંબર ચાલ્યા, ચાલી નજર નજરને ઝાલી ક્યારેક શોક બનીને

એમ લાગ્યું, શ્વાસથી છૂટા પડ્યા
હળ, બળદને રાશથી છૂટા પડ્યા
આમ તંતો તંત અડકેલા રહ્યા
આમ ચારે પાસથી છૂટાં પડ્યા.

પીડા નિત્ય પ્રતિતિ રૂપે પ્રકટે છે

૧) છોડ, તારે જ ઓઢવાની છે,
રાત ભાગીને ક્યાં જવાની છે.

૨) ટૂંકી ટચરક વાત કબીરા
લાંબી પડશે રાત કબીરા
ખુલ્લંખુલ્લા પીઠ મળી છે
મારે એની લાત કબીરા.

   કાવ્ય રમણીને શોધવા અધીર થયેલા સ્કંધસ્થ તાપસો ઘડીક સરવા થઈ અવલોકે છે. મારાં વક્ષ પર આઘાત કરતાં એમનાં સત્યાગ્રહી પગ સ્થિર થાય છે પલાર્ધ. એ તાપસોને લઇ ભટકતા મારા ચરણોને અહીં વિશ્રામ મળે છે સ્વલ્પ. અહીંથી આગળ એ સૌંદર્યવતિને ફરી ખોળવાની દડમજલ તો ઉર્વર છે, સદા.

   પણ ચંદ્રેશ મકવાણાની મૃણમયી મઢીમાં એ અક્ષરાએ રાતવાસો કર્યાના અણસાર મહેકે છે, એ નિશ્ચિત.

લિખિતંગ
મિહિર ભુતા
મુંબઈ – ૦૭/૦૫/૨૦૦૯


0 comments


Leave comment