58 - ક્યાં હતી ? / ચંદ્રેશ મકવાણા ‘નારાજ’


શાનમાં સમજાય એવી ક્યાં હતી ?
હોઠથી કહેવાય એવી ક્યાં હતી ?

વાતમાંથી વાત પેદા થઈ ગઈ
આમ તો ચર્ચાય એવી ક્યાં હતી ?

તું મને ભૂલી ગયાનું યાદ કર
એ ક્ષણો ભૂલાય એવી ક્યાં હતી ?

હાથ ઝાલી વાયરો ખેંચી ગયો,
પાંદડી રીસાય એવી ક્યાં હતી ?

એટલે મેં આંખ લંબાવી દીધી,
રાત ટૂંકી થાય એવી ક્યાં હતી ?


0 comments


Leave comment