110 - ૩૦ ડિસેમ્બર / મીરાં યાજ્ઞિકની ડાયરી / બિન્દુ ભટ્ટ
ખટ્... ખટ્... મમ્મીનો હીંચકો ચાલે છે. ખબર નથી કેટલા વાગે છે ! ઊંઘની ગોળી લઈને સૂતી હતી, પણ જાગી ગઈ. પાછલી ગલીમાં કામાતુર ભૂંડનો હાંફતો... દોડતો ઘૂરકાટ, જડબાંનો અવાજ... અને એનાથી બચવા મથતી ચિચિયારીઓ... આખા શરીરમાં એક લખલખું આવવાની સાથે, જાણે મણમણનો ભાર મારા પર લદાયે જાય છે, પાંસળીઓ ભીંસની મારી હમણાં જ જાણે બટકી જશે... આખું શરીર પરસેવો... પરસેવો.
ખટ્... ખટ્... નાઈટલેમ્પના મેલખાયા અજવાળામાં સામેના ડ્રેસિંગ ટેબલનો અરીસો પણ મમ્મીની જેમ, મને ઓળખવાની ના પાડે છે. ફેફરી ગયેલો ચહેરો, હરાયાં ઢોરે ભેળવેલા ખેતર જેવું માથું....
ખટ્... ખટ્... ક્યાંક કોઈ વૃક્ષ કપાય છે. ટેવવશ તરીને ઊડતું પંખી કપાયેલા વૃક્ષના આકાશ સાથે અથડાઈને ભોંઠું પડે છે... સૂતી વખતે નીચે દબાતા ચોટલાને દૂર કરવા જતા હાથ ભોંઠા પડે છે... એની ભોંઠપ ઝીલી લે છે અડવી લાગતી આ કમર....
ખટ્... ખટ્... મમ્મીનો હીંચકો હજુ ય ચાલે છે. છેલ્લા ત્રણ દિવસથી આ એક રૂમમાં ગોંધાઈને પડી છું... મમ્મી એક અક્ષરેય બોલતી નથી. ભારેલા અગ્નિ જેવો એનો ચહેરો, કઈ ક્ષણે ગુસ્સાથી પ્રજ્જવલિત થઈ ઊઠશે (થાય તો સારું...) એની ખબર પડતી નથી. એ સમસમીને બેસી રહી છે એ કરતાં.... એનો ક્રોધ અકારણ નથી. પરમ દિવસે મેં મારા આખા ચોટલા કાપી નાખ્યા. વૃંદાએ જન્મદિવસનું કાર્ડ મોકલ્યું હતું... અમલતાસનું સુકાયેલું ફૂલ.... કાર્ડ જોતાં જ ઊભી થઈ. કાતર લીધી અને....
સતત ગૂંગળાઉં છું. હવે તો જાણે દિશાઓએ પણ મારાથી મોં ફેરવી લીધું છે.
1 comments
QMarcoPoloXTR
Nov 30, -0001 12:00:00 AM
wahh
khub saras
1 Like
Leave comment