43 - ભીડ / વસંત જોષી
ટોળાં વળ્યાં તીડનાં
અંધારાં ભળ્યાં જળનાં
જળમાં ઊઠ્યાં વમળ
મનમાં રૂઠ્યાં કમળ
વમળ એવું ભમે
એવું ભમે
મનને જરાય ન ગમે
ગમે તો હવા ગમે
ટોળા ફાવે ત્યાં ભમે
ભમે
નમે
આકાશે ચડે
ચડે વમળ ચકરાવે ચડે
ગોળ ફૂદરડી ફરે
મન મૂંઝાય
પછી એવું બન્યું
અંધારું વમળને તીડ
અકડેઠઠ્ઠ જામી ભીડ
થોડા માર્ગ કાઢતું વમળ
હડસેલાતું
વળખાતું
ગૂંગળાતું
ઊઠવા જાય
પસ્તાવો થાય
પવનની હૂંફ મળે તો
ડહોળા જળનું અંધારું
ઊંચકાય નોધારું
હોશભેર ચડી આવતું
પહાડમાં સળવળતું
ફૂટી પડે સામટું
ચાવવા માંડે લુખ્ખું
અંધારાના કૂચા
વમળનો વળગાડ
ટોળે ટોળાં તીડ
ડહોળાયેલું જળ
આવવા દો એક પછી એક
કંઠી બાંધી ટેક
બંધ કરી આંખ
ઊંડો ભરી શ્વાસ
અંદર અંદર
ડૂબું
બાકી બધું
ગણતરી પ્રમાણે
હેમખેમ પાર ઊતર્યું.
ફેબ્રુઆરી – ૧૯૮૪
0 comments
Leave comment