46 - ગર્દભકથા / વસંત જોષી


એક ગર્દભે, બીજાને
ત્રીજા ગર્દભની વાત કરવા
બીજા ગર્દભના કાન પાસે મોઢું ધર્યું
થોડાંક શબ્દો ઉચ્ચાર્યા
બીજા ગર્દભને થયું
આ શું ?
પેલો બોલે છે તે સંભળાતું નથી
કે પેલો બોલતો જ નથી ?
ચકાસણી માટે બીજાએ માથું હલાવ્યું
કાન પટપટાવ્યા
પૂંછડી ટટ્ટાર કરી
માખી ઉડાડવા ત્વચા થરથરાવી
પણ વ્યર્થ !

હમણાં તો હોંચી હોંચી કર્યું’તું
એકાએક આ શું ?
હોંચી હોંચી સાંભળીને
સાવ ખાલીખમ્મ !
સંભળાતું નથી
કે પેલો બોલતો નથી ?
કે માત્ર હોઠ ફફડાવે છે ?
સાંભળ્યું તો ઘણુંય
ગ્રંથના ઉપદેશ
લગ્ન-ગીત
મરશિયાં, દિલાસો
આજે કેમ આમ ?
બીજા ગર્દભે પગ પછાડ્યા
છટ્..... ફટ્....
ભાષા અવાક
કાનમાં ધાક
વિચારવંત ગર્દભે માથું હલાવ્યું
પેલો ગર્દભ રાજી રાજી
સમજ્યો મારી વાત
કર્યા ઊંચા કાન
કાનમાં મારી ફૂંક
હોઠ ઊડાડી થૂંક
હરખે હરખાય
ચૌટે પરખાય
સૌ ગર્દભરાય.

નવેમ્બર – ૧૯૯૭


0 comments


Leave comment