3 - ‘ઊપડી ડમણી’ વિશે / ભાનુપ્રસાદ પંડ્યા / ડૉ.જયન્ત પાઠક


દા’ડી સાંજે સીમથી વળતું વાતનું રમ્ય ટોળું,
વીંખી, લીધું ટીખળ મહીંથી એક, પેલા કૂવાના
કાંઠે દીઠેલાં કમનીય વળાંકો વીંટીને, નદીની
રેફૂડીની રમત બધી પાનેતરે ગોપવીને,
તોફાનોની ઢગલી અમથી એક નાની કરીને,
ઓગાળીને નયન ગમતીલાં, મજાકો વિખેરી,
માફાવાલી ડમણી નીકળી નૂર લૈ આંગણાનું !

સાંતી છોડી ગુસપુસ કરી ગોઠડી ભેરુ સંગે
મોં ભાળ્યાની ચગળીચગળી, કોઈ મધ્યાહનવેળા
છાંયે બેસી ઝગતી બીડીનાં ગૂંચળાંમાં ધસંતું
શેઢે જોયું રૂપ ધૂમસિયું ! આજ ગાડું ભરીને
સોડે બેઠું ! રજનીભરનું રુક્ષ એકાંત લીલું
લીલું થાશે ? મખમલ લણી પાક સૌ સોણલાંનો
સાફાવાળી ઊપડી ડમણી ગામને ગોંદરેથી !


    આપણા કેટલાક નવીન કવિઓ હમણાં હમણાં જે રચનાઓ કરે છે તેમાં રમણીયતા અવતારવાની તેમની ચોખ્ખી નેમ દેખાય છે. કાવ્યમાં ભારેખમ વિચારો, તારસ્વરે વેદનાનું ઉચ્ચારણ એ ટાળે છે. શુદ્ધ સૌન્દર્યલક્ષી એવો અભિગમ ઘણુંખરું પ્રકૃતિચિત્રો દ્વારા વ્યક્ત થાય છે. ગ્રામજીવન અને ગોપજીવન, વન, નદી, તળાવડી, પહાડ – આ બધાંને એ અવનવી દૃષ્ટિએ જુએ છે ને અવનવી તરેહમાં આલેખે છે. આજ પહેલાં પ્રકૃતિનિરૂપણમાં, પ્રકૃતિવર્ણનમાં માનવભાવનું આરોપણ નહોતું થયું એમ નહિ, પણ એ જરા સ્થૂલ રીતે થતું. એમાં પ્રકૃતિ અને માનવભાવ પરસ્પર ગૂંથાયેલાં દેખાતાં પણ પરસ્પર ગળી ગયેલાં, એકરસ થયેલાં લાગતાં નહોતાં. અપવાદો હશે, હોય જ : પણ એકંદરે નવીન કવિ વધારે સૂક્ષ્મ રીતે સૂક્ષ્મ સૌન્દર્ય પ્રગટાવી જાણે છે એમ તો ખરું. આપણા નવકવિઓની ગઝલ, ગીતો, પરંપરિત છંદોની કે અછાંદસ રચનાઓ જોતાં આની પ્રતીતિ થશે. એનાં કલ્પનો, પ્રતીકો, અલંકારો આદિમાં તાજપ અને રમણીયતાની એક ઝલક વર્તાય છે.

    ‘ઊપડી ડમણી’ આમ તો ગ્રામવાસીના લગ્નપ્રસંગનાં વર્ણનનું કાવ્ય છે, પણ એની ખૂબી, એનું આસ્વાદ્ય તત્વ તો છે નાયક-નાયિકાના વર્ણનરૂપ ભાવનિરૂપણમાં. કવિએ અહીં તાજાં જ લગ્નગ્રંથિથી જોડાયેલાં યુવકયુવતીના જીવનની મુગ્ધતાની ક્ષણોનું ગ્રામજીવનના પરિવેશમાં આલેખન કર્યું છે. મુગ્ધતાનો એ ભાવ અને વર્ણન એકબીજામાં એવાં તો ગળી ગયેલાં છે કે ભાવ માટે વર્ણન છે એવું ન લાગે, ભાવ અને વર્ણન એમ નોખાં ન કળાય.

    કન્યા ડમણીમાં બેસીને પોતાના પતિ સાથે પિયરથી વિદાય લે છે, એ પ્રસંગને કવિએ કન્યાનાં મુગ્ધાવસ્થાનાં રમણભ્રમણો સાથે સાંકળી લીધો છે. એ મુગ્ધ ક્રીડાઓનાં સ્મરણ એના હૃદયમાં કેવાં ભર્યા ભર્યા છે તેનું આહલાદક વર્ણન કવિ કરે છે. ‘નદીની રેકૂડીની રમત બધી પાનેતરે ગોપવીને,’ ‘તોફાનોની ઢગલી અમથી એમ નાની કરીને’ – જેવી પંક્તિઓમાં અતીતનાં સંસ્મરણોની સાંપ્રતના પાનેતર ઉપર કવિએ કેવી સુંદર ભાત ઉપસાવી છે ! એક એક ચિત્રમાં કવિની પીંછીની નજાકત જોવા મળે છે. ‘વાતનું રમ્ય ટોળું,’ ‘તોફાનોની ઢગલી’, ‘ઓગાળીને નયન ગમતીલાં’, ‘મજાકો વિખેરી’ જેવા પ્રયોગોમાં ગ્રામકન્યાના બધા હર્ષોલ્લાસ પ્રત્યક્ષ થાય છે.

    કાવ્યના બીજા ખંડમાં એવી જ રીતે કવિ એક ગ્રામયુવકનું ચિત્ર આપે છે. લગ્નોત્સુક આ જુવાને હળ છોડીને ખેતરમાં બેસી મિત્રો સાથે કોઈ અજાણીના નેહનેડાની વાતો કરી છે; બીડી પીતાં પીતાં ધુમાડાનાં ગૂંચળામાં એણે ભાવિ પ્રેયસીની આછી મુખાકૃતિ નિહાળી છે. એ રૂપ આજે એની સાથે જ ડમણીમાં એને ઘેર આવી રહ્યું છે. ‘આ જ ગાડું ભરીને સોડે બેઠું’માં ‘ગાડું ભરીને’ પાસેથી કુશળ કવિએ કેવું કામ લીધું છે ! પેલી કન્યા ગાડામાં છે ને એનામાં ગાડું ભરીને રૂપ ભર્યું છે ! યુવક ખેડૂત છે એટલે એમ જ અનુભવેને કે હવે રાતનું શુષ્ક રુક્ષ એકાંત મોલલચતા ખેતર જેવું લીલું લીલું થઈ જશે ? એણે આવી કોઈ ધન્યતા માટે સોણલાં સેવેલાં તે હવે સિદ્ધ થયાં, મબલક પાક ઊતર્યો ! છેલ્લી પંક્તિમાં ‘સાફાવાળી ડમણી’ વાંચીએ એટલે તરત નજર ઉપર જાય ને ‘માફાવાળી ડમણી’ એ પ્રયોગ પર ચોંટે. ‘માફા’માં લાજ, મર્યાદા, સંકોચનું સૂચન છે તો ‘સાફા’માં જીવનની ધન્ય ક્ષણના ઉલ્લાસનું છોગું ફરફરતું દેખાય છે.

    કવિની નેમ સોનેટનો ઘાટ ઉતારવાની સમજાય છે. એમણે અષ્ટકે અને ષટક કે ચાર, ચાર, ચાર અને બે એવી પંક્તિવ્યવસ્થા કૃતિમાં પ્રયોજી નથી. પણ સાત સાત પંક્તિના બે ખંડો કર્યા છે. સોનેટમાં આવતો ભાવ કે વિચારનો વળાંક અહીં આઠમી પંક્તિથી આવતો નથી, પણ ચિત્ર બદલાય છે એને વળાંક ગણવો હોય તો છે. કવિ તો આ બંને ચિત્રોને સાત સાત પંક્તિમાં આલેખી એમને સરખું મહત્વ આપે છે. (હવે સંસારની રચનામાં પણ પેલાં બંનેનો સમાન મહિમા જ રહેવાનો ને ! ) સોનેટ એટલે અર્થઘનતા, વિચાર પ્રધાનતા એવો ખ્યાલ વેગળો રાખીએ તો મુગ્ધ પ્રેમના જેવું નમણું આ સંપૂર્ણ સોનેટ ચિત્તમાં વસશે ને ચિત્તને વશ પણ કરશે.

૨૦-૧૦-૧૯૬૮ (‘કાવ્ય્લોક’ પૃ.૭૩)
ડૉ.જયન્ત પાઠક


0 comments


Leave comment