4 - ‘અચંબો થૈ આવ્યું !’ વિશે / ભાનુપ્રસાદ પંડ્યા/ પ્રકાશ મહેતા


ગયા, ને ગૈ ઊડી પરિઘ મહીં બે કંકણ તણા
સમાયેલી લીલા તડતડ થતી, રોજ હીબકે
ધકેલાતું નાઠું સુખ સહુ અને સાવ સમીપ
ઉખેડાયું પેલું નજર તણું સૌ નંદનવન !
સમેટાઈ મારાં રજની, દિન ને માસ પછી ત્યાં
બન્યાં નિશ્વાસોનું સમીકરણ – જુદું જ ગણિત !

હતી ના જેનાથી ત્વરિત તવ સંગે ઊડી શકી,
વસેલો જે ત્યારે ઉદર મહીં તે ભાર અવ હ્યાં
નિહાળું અંકે ત્યાં ફરી ભૂલી પડું કેશગૂંચળે
તથા એ તેજીલાં નયન થકી ભૂરો પરિચય
પુરાણો આમંત્રે ! ક્વચિત બીડી મોંફાડ ઊઘડ્યે
થતું : વ્હેતી થાશે વળી રસિકતા ? આ શી ભ્રમણા ?
અરે, આ તે કેવું ! કંઈક છતું ને કૈંક અછતું
અચંબો થૈ આવ્યું રૂપ મમ ગૃહે આમ દયિત !

    ગુજરાતી ભાષાના ઉત્તમ સોનેટોનો સંચય કરવો હોય તો શ્રી ભાનુપ્રસાદ પંડ્યાનાં બેત્રણ સોનેટો એમાં જરૂર સ્થાન પામે. આ સોનેટ વાંચતાં બલવન્તરાયનું ‘વધામણી’ અને ઉશનસનું ‘હું મુજ પિતા’ એ બંને સોનેટો પણ યાદ આવ્યા વિના ન રહે. ત્રણ જુદા જુદા કવિઓ પોતાનાં પ્રિયજનની સ્મૃતિને કેવી જુદી જુદી રીતે આલેખે છે. એની સરખામણી કરવા જેવી છે. ‘વધામણી’માં સ્ત્રીના ખોળામાં સૂતેલું ‘નવ વજન’-નવજાત પુત્ર પતિના પ્રેમની યાદ અપાવે છે. એ જ પ્રમાણે ઠાકોરના ‘જૂનું પિયરઘર’માં ઘણાં વર્ષો પછી પિયરના જૂના ઘરમાં પગ મૂકતી સ્ત્રીને ત્યાં પોતાનો પતિ પણ ‘બાળવેશે સહેજે’ – બાળકરૂપે દેખાય છે. ઉશનસનાં ‘હું મુજ પિતા’માં મૃત્યુ પામેલા પિતા સાથેના પોતાનાં સામ્ય તથા સાતત્યની પુત્રને ઝાંખી થાય છે. જ્યારે આ સોનેટમાં પતિ અને પુત્ર વચ્ચેના સામ્ય દ્વારા પ્રેમસાતત્યનો ભાવ આલેખાયો છે. આમ, પ્રિયજનની સ્મૃતિને ત્રણેય કવિઓએ પોતપોતાની લાક્ષણિક રીતે આલેખી છે, છતાં ત્રણેયનું સ્વરૂપ તો એક જ છે – સોનેટનું. બલવન્તરાયે ગુજરાતની ભૂમિમાં વાવેલો સોનેટનો વિદેશી છોડ કેટલો બધો પાંગર્યો છે એની ઝાંખી આ સોનેટ વાંચતાં થાય છે. આજે જ્યારે સોનેટનું સ્વરૂપ કાંઈક વિસારે પડ્યું છે, ત્યારે પણ સોનેટની સઘન શક્તિ ભવિષ્યના કવિઓનું જરૂર ધ્યાન ખેંચશે. ઉત્તમ સોનેટ વાંચતાં થાય છે કે વિરાટ વામનરૂપે વિહરે છે, ત્યારે પણ કેવો સુન્દર દેખાય છે !

    આ સોનેટમાં સ્ત્રીજીવનના એક અત્યંત કરુણગંભીર ભાવનું હૃદયસ્પર્શી આલેખન થયું છે. થોડા જ સમય પહેલાં માતા બનેલી સ્ત્રીનું સૌભાગ્ય એકાએક નંદવાઈ જાય છે. લગ્નજીવનનું સુખ અને પુત્રપ્રાપ્તિનો હર્ષ – એમ બમણો આનંદ અનુભવતી સ્ત્રીને માથે અચાનક વૈધવ્યનો પહાડા તૂટી પડે છે – પણ આ કાંઈ વિધવાનાં દુઃખો વર્ણવતું સુધારક કે પંડિતયુગનું બોધકાવ્ય નથી. વૈધવ્યની વ્યથાને આરંભમાં આલેખાયેલો ભાવ અચંબો પમાડે એવી રીતે પલટો લે છે, અને પુત્ર દ્વારા અનુભવાતા પતિપ્રેમના સાતત્યને સાકાર કરે છે.

    સોનેટની પહેલી પંક્તિ જુઓ, શિખરિણી છંદની પંક્તિના પહેલા બે અક્ષરો ‘ગયા’ એના લયથી જ પતિ ગુમાવ્યાની વેદનાને વાચા આપે છે. પતિ તો એકાએક પરલોક ગયા ને – આ એકાક્ષરી ‘ને’ શબ્દ યુવા વિધવાના જીવનમાં અચાનક આવી પડેલી આપત્તિની દારુણતાને ભારે લાઘવથી વર્ણવે છે. પતિ ચાલ્યા ગયા ને – બે કંકણના પરિઘમાં સમાયેલી લગ્નજીવનની લીલા તડતડ થઈને તૂટી ગઈ. ‘કંકણ’ શબ્દ દ્વારા થતી એ રવાનુકારી (ઓનોમેટોપિયા) ક્રિયાપદ દ્વારા દામ્પત્યજીવનનાં આકસ્મિક ઉચ્છેદનું સચોટ આલેખન થયું છે. બલવન્તરાયે પણ એમના એક સોનેટમાં ‘તડતડ તૂટી ગૈ ઉમેદો બધી’ એવું ઘડપણની લાચારીનું વર્ણન કર્યું હતું, તે સહેજે યાદ આવે છે.

    વૈધવ્યના આ દિવસો કેવા આકરા ને અકારા લાગે છે એનું વર્ણન પણ ખૂબ જ સંયમથી થયું છે. સ્ત્રીના હીબકે હીબકે જાણે સુખ દૂર ધકેલાતું જાય છે. ‘સાવ સમીપે’ સ્ત્રીની આંખો આગળ એનું દામ્પત્યનું નંદનવન ઉખેડાઇ જાય છે. હવે તો રાત, દિવસ અને મહિના – બધું જ ‘નિ:શ્વાસોનું સમીકરણ’ બની ગયું છે. વૈધવ્યના દિવસો માટે ‘જુદું જ ગણિત’ જેવો શબ્દપ્રયોગ કરીને કવિએ એ દિવસોની શુષ્કતા, એકલતા અને અસહાયતાને પ્રતિબિમ્બિત કરી છે. જે સમય પતિ સાથેના સાહચર્યના સુખમાં કેટલી ઝડપથી પસાર થઈ જતો, એ જ સમય આજે ગોકળગાયની ગતિએ ચાલે છે. અહીં વેદનાનું વર્ણન વિરમે છે.

    બીજી કડીમાં કાવ્યનો ભાવ એક નવો જ વળાંક લે છે. ‘પ્રસૂતિ પહેલાં ઉદરમાંના જે ભારને લીધે તમારી સાથે ત્વરિત ગતિએ ઊડી નહોતી શકતી, તે ભાર અત્યારે મારા ખોળામાં સૂતો છે’ એ સ્ત્રીની ઉક્તિ તરત જ બલવન્તરાયના ‘વધામણી’ની યાદ અપાવે છે. ‘ને બીજું કે શિર મૂકી જિહાં, ભાર લાગે શું કહેતા ? ત્યાં સૂતેલું વજન નવું, વીતી ઋતુ એક વ્હેતાં.’ ત્યાં બાળક માટે ‘વજન’ શબ્દ વપરાયો છે, જ્યારે અહીં ‘ભાર’ શબ્દ વપરાયો છે, પણ બન્નેનો ભાવ તો સમાન છે.

    માતાના ખોળામાં સૂતેલાં બાળકના વર્ણન પછી ઠાકોર અને પંડ્યાનાં સોનેટો જુદી જુદી દિશામાં ફંટાય છે. ‘વધામણી’માં પુત્રની આંખો કોના જેવી છે એ નક્કી કરવાનું ‘દયિત’ને – પતિને ઇજન છે, જ્યારે આ સોનેટમાં પતિ સાથેના બાળકના શરીરસામ્યથી જાગતો આશ્ચર્યનો ભાવ પ્રગટ થયો છે. પુત્રનાં કેશગૂંચળાં પતિના કેશની યાદ અપાવે એવાં છે. બાળકની ભૂરી આંખો પતિની આંખો જેવી જ દેખાય છે. બાળકની તેજીલી આંખો દ્વારા સ્ત્રીને પતિનો ‘ભૂરો પરિચય’ થાય છે. પરિચય જેવા અમૂર્ત ભાવને ‘ભૂરો’ કહીને કવિએ મૂર્ત બનાવી દીધો છે. બાળકની મોંફાડ જોતાં લાગે છે કે ભવિષ્યમાં બાળકના હોઠ પતિ જેટલા જ રસિકતાભર્યા થશે. અહીં વિપ્રલમ્ભ – વિયોગના શૃંગારનું નાજુક સૂચન થયું છે. આમ, બાળકને જોઇને પતિની સ્મૃતિ તીવ્ર બની જાય છે. પતિનું રૂપ કંઈક છતું ને કંઈક અછતું થઈને બાળક દ્વારા ફરીથી પ્રગટ થાય છે. આમ ‘સ્ત્રીને પુત્ર દ્વારા પતિપ્રેમના સાતત્યનો અનુભવ થાય છે. એ અનુભવ કેટલો બધો આશ્ચર્યપ્રેરક છે, તે છેલ્લી બે પંક્તિઓમાં દર્શાવ્યું છે. ‘અરે, આ તે કેવું’ એ શબ્દો આશ્ચર્યનાં ભાવને સચોટ રીતે વર્ણવે છે. બાળકનાં રૂપ દ્વારા પતિનું રૂપ દેખાયું એ અચંબો છેલ્લી પંક્તિમાં લય વડે સૂચવાયો છે.

    બલવન્તરાયનું ‘વધામણી’ અને ઉશનસનું ‘હું મુજ પિતા’ એ બંને સોનેટો તો આપણા વિવેચકોની મુક્ત કંઠે પ્રશંસા પામ્યાં છે, પણ શ્રી પંડ્યાના આ સોનેટ પ્રત્યે આપણી વિવેચનાનું ધ્યાન, કોણ જાણે કેમ, નથી ખેંચાયું. પણ પ્રિયજનની સ્મૃતિને આલેખતાં આ ત્રણેય સોનેટોની સરખામણી કરતાં જણાશે કે શ્રી પંડ્યાનું આ કાવ્ય પણ ઊણું ઊતરે એવું નથી. ગાગરમાં સાગર સમાવવાનો સોનેટનો કીમિયો આ કાવ્યમાં પણ સિદ્ધ થઈ શક્યો છે.

૧૯-૦૬-૧૯૯૪ (મુંબઈ સમાચાર)
પ્રકાશ મહેતા (મુંબઈ)


0 comments


Leave comment