87 - ધારાધારા ધારમાં.... / ભાનુપ્રસાદ પંડ્યા


મથુરા કેરા મ્હેલના ગોકુલ દિમનાં દ્વાર,
ખોલે ત્યાં ખોવાય છે માંહ્ય ખડા મોરાર !
એ દિશમાંથી ઝાડવાં લાંબા કરતાં હાથ,
ભાસે આવી ભીડતાં ભૂધરને નિજ બાથ.
આ ધસમસતાં આવિયાં શ્યામલ શ્યામલ વ્હેણ,
પાય પખાળી પલમહીં કહે કદંબી કહેણ :
વાંસવને જઈ વલખતું સાવ ભૂલીને ભાન
કોઈ ઊભું સુકાય ત્યાં એકલ ગોરે વાન !

રોમ રોમ ખીલી ઊઠે લવકી વનરાવંન,
વાછરડું થઈ ઊછળે મથુરાધીશનું મંન.
સંતાતી આવી અડે વ્રજધૂલિની ગંધ ?
છાઈ થઈ સંભારણાં ઊઘડે ઉરનાં બંધ.
નિરવ નટવર થઈ રહ્યા સર્યો બધો ઓથાર,
ધારાધારા ધારમાં લોચનિયાં ચોધાર !


0 comments


Leave comment