88 - બધું હોય મારું એંવું... / ભાનુપ્રસાદ પંડ્યા
‘વાનરની તોલે આવે એવાં તારાં અડપલાં
વાંસતણાં વનો સમાં અડાબીડ વધે છે.
તિરાડથી પ્રવેશતા વાયરાની જેમ છાનો
વ્રજનારી તણા ઘરે ચૂપચાપ સરે છે !
શીંકાં પરે લટકતાં ગોરસ ઉતારી બધાં
આરોગે ઓછાં ને વધુ આમતેમ ઢોળે છે !
પરઘરે પૂછ્યા વિણ જતાં નહીં લાજ તને ?
‘ચોર’ કહે લોક બધાં – કુળ કેમ બોળે છે ?’
“ગ્યા ભવ થકી ગઢ વાનરનો સંગ, માડી !
સ્વભાવમાં થોડોઘણો આવ્યા વિના રહે છે ?
સંઘરો કરેલું દધિ વલખતું મટુકીમાં,
મોગરાનાં ફૂલ જેમ વિખેરવું ગમે છે !
પારકું-પરાયું નવ લાગે – નથી ‘ચોર’ હું, મા !
બધું હોય મારું એવું કેમ મને ભાસે છે ?”
0 comments
Leave comment