89 - અમરતમીઠાં / ભાનુપ્રસાદ પંડ્યા


અજંપામાં વીતી રજની પડખાં એ બદલતી
રહી, વારે વારે સમીપ ધસતાં હોય ડગલાં
રહે ભાસી એવું – ઊઠતી, ફરી સૂતી અવઢવે.
શું આવે આ નાની કુટિર હરિ કેરી નજરમાં ?

ઘડીમાં અંકાશે ટશર પણ ફૂટી રતૂમડી,
રહ્યું આખું ગુંજી વન કલરવે, એ પણ ઊઠી –
સફાળી ! લે વાળી ફરીથી કુટિયા, આંગણ લીંપી,
નદીમાં અંઘોળી લઈ, કર ધરી છાબડી ઊભી.

જુએ ત્યાં તો પાસે મયૂર સરખા બેય યુવકો
રહ્યા આવી સામે, નવ દઈ શકી આસન તદા !
દિયે ચાખી ચાખી સજળ નયને બોર દ્રયને !
જરા સંકોચાતો અનુજ – વદતા જ્યેષ્ઠ સહસા :
‘મને મેવા લાગે લખમણ ! લૂખા સૌ નગરીના
જરી ચાખો બોરાં અમરતમીઠાં આ શબરીનાં !


0 comments


Leave comment