90 - અરણ્યો ઢૂંઢે / ભાનુપ્રસાદ પંડ્યા
હતા એ વાસંતી પ્રહર – વનવાસી રઘુપતિ,
પ્રભાતે સીતાને લઈ પરવરે દંડક વન.
લહી રંગે છાંટી પવનચીતરી તીતલી કશી
ધસે મુગ્ધા, દોડે મૃગતનુની વાંસે ઘડીઘડી.
વળી પૂછે પુષ્પો તણી ખબર સાહી, ઝરણમાં
ઝબોળે ધૂળેટાં ચરણ, પતિનો હાથ પકડી
ચડે ચટ્ટાનોની ઉપર; શિશુ શી કૌતુક લીલા
સિયાની ન્યાળીને તિરછું હસતા રામ દ્રગથી !
પછી બેસે કાન્તા નદીતટ શિલાપે શ્રમિત થૈ
નિહાળ્યું કંથે કે કુમકુમતણી ભાલ-ટીલડી
વિલાતી પ્રસ્વેદે પીગળી ! – પથરો લાલ ઘસીને
સ્વહસ્તે સીતાને ટીલડી કરતા નાથ નમીને !
અને ચારે નેત્રો સમીપ નમણું જે હસી પડ્યાં,
અરણ્યો ઢૂંઢે – એ ફરીથી નજરે ના કદી ચડ્યાં !
0 comments
Leave comment