91 - વદે મનવિહવલા / ભાનુપ્રસાદ પંડ્યા
દર્ગ નવ ખશે એવું દીઠું પથે વન રમ્ય ત્યાં
લછમન, સિયા, રામે – પાંચે વટો વચમાં સુહે
કર શું કરથી ગૂંથે શાખા – ઘટા ઝૂકી હેતથી
જનનીમુખ શી ! થંભી જાતાં ત્રણે : બસ, આ સ્થળે
કુટિર રચવી ! સૌમિત્રે તો ધસી ઘડી વારમાં
કુટી રચી દીધી ! બોલ્યાં : ‘હાવાં વસો તમ દંપતી !’
‘તમ ક્યહીં વસો ? ભૈયા ? – સીતા વદે હસી ટીખળે.
તવ નદીતટે સામે બાંધી ચીંધી કુટિયા નિજી !
મધ રજનીમાં શૈયાધીના સિયાસહ રામ કૈં
નિજ કુટિરમાં ધીરે ગોષ્ઠી હતાં કરતાં દ્રય –
પણછ રહી ટંકારી ગાત્રો ચીરી સૂનકારનાં !
‘અનુજ કરતો રક્ષા, ધન્યે !’ વદ્યા તહીં રાઘવ.
‘લગીર સુણતી આ ટંકારો હશે નહિ ઉર્મિલા –
સુદૂર અવધે ? – વૈદેહી ત્યાં વદે મનવિહવલા !
0 comments
Leave comment