92 - વનપ્રયાણે સીતાની સ્વગતોક્તિ / ભાનુપ્રસાદ પંડ્યા
નીચે મારો રથ ઊપડિયો ને અટારી પરેથી
ન્યાળી, આડું નિજ મુખ કરી, રાઘવે ચક્ષુ લોહ્યાં !
ક્યાંથી સુણું જરીક ડૂસકા જેવું ? ના, ભ્રાન્તિ એ તો
થંભ્યાં વાદ્યો ? નગરજન કાં સ્તબ્ધ થૈ ત્રાંસું જોતાં ?
સૌમિત્રે ના મુજ ભણી વિનોદી દ્રગે જોયું ! ભારે
ચ્હેરે બેઠા રથ પર, શિલારૂપ ભાસે સુમંત
અશ્વો હાંકે કશુંય ઊચર્યા વિણ – શું યંત્ર જાણે !
વંદું મૈયા સરયૂ ! ફરી ક્યારે મળીશું ? – ન જાને !
આ વેળા તો મન સહજ ભાવે ધસંતું અરણ્યે
જાતું જાણે નિજ ઘર ભણી ! તૃણ તાજાં ધરાને
છોરાં જેવું ચસચસી રહ્યાં ! વચ્છ જો ધેનુ પાસે
નાચે-કૂદે ખગનું ચીખતું શાવકે ક્યાંક ઊડે !
ને આ મારી ભીતર ફરકે તૃણ જેવું ક્યહીંથી ?
હું યે છોરૂ થઈ ફરકું મા ! ભોમ ! તુંમાં ફરીથી ?
0 comments
Leave comment