93 - બસ, એ સજા ! / ભાનુપ્રસાદ પંડ્યા


બીજે દહાડે સિયવિરહી એકાકી નૃપાલ ચાલ્યા
છાના સૌથી સરતૂટપે માનવી એક દોડી
પાસે આવી કરગરી વદ્યો : ‘નાથ, હું તો કલંકી !
અંગારા શાં મુજ વચનથી આપની ખાખ થૈ ગૈ
લીલી વાડી, નૃપતિ ! અપરાધી ઠર્યો, તો ય આપે
શાને શિક્ષા હજુ નથી કરી ? લોકનેત્રોથી છૂટયાં
વીંધે બાણો બહિરભીતરે, દેવ, હાવાં સજા દ્યો
આ પામીને નગર તજવા : ‘બોલી પાયે પડ્યો એ.

ચમકી સહસા, હસ્તે સાહી ઉઠાવત એહને,
રઘુપતિ કહે : શીલે તારી દિસે અતિ ખેવના.
રજક ! તવ ઊંચેરાં લક્ષ્યો – સવાઈ નરોત્તમ !
શિથિલ નહિ આદર્શે થાવું – ચીંધે પથ ઉજ્જવલ.
નગર તજવાની ના આજ્ઞા તને કરવી કદા,
તજી ગૃહિણી પછી નિમંત્રે – તને બસ, એ સજા !


0 comments


Leave comment