65 - આપણે / ચંદ્રેશ મકવાણા ‘નારાજ’


શ્વાસને સદરાની માફક વેતરીશું આપણે,
મોત કેવું હોય છે જોવા મરીશું આપણે.

કોઈ ઠંડી આગનો માંગે પરિચય તો તરત
આપણો તાજોજ આ ફોટો ધરીશું આપણે.

ખીણમાં જન્મ્યાં છીએ તો ખીણને અજવાળશું,
આમ પણ શું ટોચને બચકા ભરીશું આપણે ?

શું થયું જો ચાલવામાં સ્હેજ આગળ થઈ ગયા ?
એમની સાથે થવા પાછા ફરીશું આપણે.

જિંદગી જો જેલ છે તો જેલમાં જીવી જશું,
આમ પણ બીજે કશે તો ક્યાં ઠરીશું આપણે ?

વ્યાજ માફક એય બસ વધતી જ વધતી જાય છે,
આપણી નારાજગીનું શું કરીશું આપણે ?


0 comments


Leave comment