67 - નહીં કરું / ચંદ્રેશ મકવાણા ‘નારાજ’


ઊકળી ઊઠે તું એવા બયાનો નહીં કરું,
જા, આજથી તને હું સવાલો નહીં કરું.

ભૂલી જઈશ મારી હું સઘળી મહાનતા,
તકતીઓ ગોઠવીને તમાસો નહીં કરું.

એમાં વણાઈ ગ્યું છે વણનારનું હૂનર પણ,
હું એમાં મારી રીતે સુધારો નહીં કરું.

તું સાચવ્યાના સઘળા નિશાનોય સાચવીશ,
એથી જ તારે ત્યાં હું ઉતારો નહીં કરું.

પહોંચી નહીં શકું તો પોઢી જઈશ કિન્તુ,
પાછા ફરી જવાનો ઈરાદો નહીં કરું.

નારાજગી તો મારી ઊર્મિનો પ્રાણ છે,
એથી વધુ હું કોઈ ખુલાસો નહીં કરું.


0 comments


Leave comment