42 - પ્રથમા નારી – (૨) / હરિશ્ચંદ્ર ભટ્ટ


માતા, કન્યા તું, સ્વસા તું, પ્રિયા તું,
પ્રથમા નારી, પ્રકૃતિ ! આવ અર્ચું.

કન્યા થૈને આવ. હું લૈ ઉછંગે
ગીતો મીઠાં નિર્ઝરોનાં શિખાવું;
શબ્દો આપું પંખીના, પ્રેમ કેવો
ધીરે ધીરે શાંત વ્હેતો બતાવું.

રક્ષા લૈને તું સ્વસા, આવ આજે
આશીર્વાદે ધન્વી હું વિશ્વ જીતું.
કારુણ્યે એ નેનમાં છે જ્યોની
સૌ માંગલ્યોની બધી પ્રેરણાઓ.

કૈં જન્મોથી જેની મેં વાટ જોઈ,
આજે આવી કુંદ તું શુભ્ર લૈને
ધીરે ધીરે એ જ મારી પ્રિયા તું,
જીવ્યા લ્હાવો ચુંબનોએ જગાડી
શો છે તેનું ભાન આપું તને હું.

માતા, આવો, મૃત્યુ ને જીવનોનાં,
મારે પીવાં અમૃતો, દાહ શામો,
મારૂં લાતો, તોય હૈયે બઝાડી
દેજો એનાં અમૃતો બાલને આ.


0 comments


Leave comment