69 - ખરચાઈ ગયો / ચંદ્રેશ મકવાણા ‘નારાજ’


હતી જ એવી ઊંચાઈ કે ચમકીને ચકરાઈ ગયો,
તસુ જેટલું માંડ ખસ્યો ત્યાં ટોચેથી ફેંકાઈ ગયો.

તેં ફેંકેલા પથ્થરથી આંગણનો ખાડો પુરવામાં
તારી માફક હુંય હવે જો પથ્થરથી ટેવાઈ ગયો.

રસ્તો પાર કર્યાના અડધા પગલા પહેલા જાણ થઈ,
કે મારી અંદરનો માણસ તો રસ્તામાં ખોવાઈ ગયો.

ઝાકળના ટીપાં પર રમતી સવારનું મ્હોં જોઈને
છાતી કાઢી ફરતો ઓલ્યો સૂરજ પણ શરમાઈ ગયો.

જેમાં રહીને જનમારો જીવવાનો અમને કોડ હતા
એજ ઓરડો ચણતા ચણતા જનમારો ખરચાઈ ગયો.

‘નારાજ’ જરા તો સમજાવો એ જીદે ચઢેલા ચહેરાને
કાગળ પરથી ભૂંસ્યો તો એ આંખોમાં અંકાઈ ગયો.


0 comments


Leave comment