35 - મહિમા / હરિશ્ચંદ્ર ભટ્ટ


તું હું બન્ને એક સાથે જ જન્મ્યાં,
ક્યારે જન્મ્યાં પ્રશ્ન શો પૂછવાનો ?
જન્મ્યા પ્હેલાંયે હતાં એક સાથે.
તું ના હોયે, હોઉં હું શી વિધે ત્યાં ?

સીમાન્તોની તું સીમા, તું તમિસ્ત્ર,
સૃષ્ટિ પ્હેલાં જે હતું, ને પછી છે.
તું છે પેલું ज्योतिषां ज्योति જેણે,
સ્ફુલ્લિંગોના વર્તુલોમાં પરાર્ધો,
વિશ્વો ફેંક્યાં ઘૂમરાતાં, અને એ
બ્રહ્માંડોના ચક્રમાં રત્નગર્ભા
પૃથ્વીએ તેં માનવબિંદુમાં આ,
સંગોપ્યું છે તારૂં જે છે अहं તે.

વેદે જેને નામ आत्मा નું આપ્યું,
તે હું તારો પુત્ર, મેં અંગુલિને
તારી મારા હાથમાં રાખી, દૂરે
ઊંડાં – આઘાં વિશ્વ અકેક જોયાં.
ત્હારાં મોટાં જે પડેલાં ડગો ત્યાં,
પાયો મારા નાનડા ઠેરવીને
ચાલ્યો પૂંઠે, સ્હેજ થોભી જરા કે,
ઊંચે જોઈ મેં તને શેં ન જોયો ?

પૃથ્વીને કો એક ખૂણે પડ્યો છું,
આજે પેલો ભેદીને અંતરિક્ષે
તારો, એનાં તેજ ખોઈ ખર્યો શો.
તેજસ્ત્રાવે શ્યામ પાષાણ માત્ર.

આ સૃષ્ટિનાં અંત કાલેય, ત્યારે,
અશ્વત્થે જે એક પર્ણએ સુવાનું,
તારૂં પેલું શૈશવીરૂપ, તેમાં,
અંગૂઠો હું ધાવતો તારી સાથે.


0 comments


Leave comment