94 - પ્રતિપલ સુભાગી / ભાનુપ્રસાદ પંડ્યા


શિશુક વયથી મારે મૈત્રી રહી વનવાસીની
કરમહીં લખી ના રેખાઓ – હશે પગદંડીઓ !
ચરણ મહીં આલેખી ગાઢી અનંત અટવી નરી,
નગર વસવું એ તો મારે ઘડી તરુછાંયડી !

ધનુષ કરમાં ધાર્યું ત્યાં તો ઋષિ લઈ આવિયા
ઇજન વનનું ! તાતે પુત્રો સકંપ વળાવિયા.
પ્રિયકર જીતી સાકેતે ક્યાં ધરું ડગ, તાતના
વચન દ્રય દર્શાવે પંથો જવા વનવાસના !

અપહ્યત સતી વાંસે મારી વ્યથા વહી તે ઝીલી
તરુ, ખગ પહાડોએ, મૈત્રી વને નિત જાળવી !
રિપુ હણી સિયા સંગે આવું – વસું નગરે જરી
ઉર વન ગયું લોકાક્ષેપે – રહ્યો ગૃહ દેહ આ !

નવ કદી વ્યથા – કે ઝાઝું ના રહ્યો જનવાસમાં,
પ્રતિપલ સુભાગી લાગી જે મળી વનવાસમાં !


0 comments


Leave comment