95 - ચલો રોકી લઈએ.... / ભાનુપ્રસાદ પંડ્યા


‘થશે કાલે મોટો પ્રલય નભનું છત્ર પડશે,
ધગી જાશે એવો સૂરજ બધી સૃષ્ટિ સળગશે,
તજે માઝા સિન્ધુ જળથળ બધું એજ જ થશે !
ધરાહૈયું ફાટે ગરક જગ આખું થઈ જશે.’
વદે સંતો, દ્રષ્ટા, ગ્રહગણવિદો ચિંતિત થતા :
‘રહો પ્રાર્થી દેવો, સદા વ્રત-યજન-પૂજા વિધિવડે
સદા અર્ચો, તીર્થે ભ્રમણ કરીને પુણ્ય પમરો,
પ્રયાસો આરંભો – સમૂહજનસંહાર વિરમે.’

નિહાળું હ્યાં હૈયાં હવડ કૂપ શાં, સીમિત દ્રગે
ઘૃણા રેલે, વાંછા સુખની પણ માઝા મૂકી હિતો
હણીને બીજાનાં પુલકિત થતી, શસ્ત્ર અણુને
મહાપુંજે બેઠી મનુજમતિ – એની નિયતિ શી ?
ચલો, રોકી લઈએ પ્રતિપલ થતા આ વિલયને,
વિસારો કલ્પેલા અતિ દૂર રહ્યા એ પ્રલયને !


0 comments


Leave comment