96 - ગતિમાં માણેલું.... / ભાનુપ્રસાદ પંડ્યા
દિશાઓ ચોપાસે મુકુર સરખી સ્વચ્છ, સમીપે
ધરાને સંયોજે નભસહ ધરી શ્વેતલ ફૂલો
સમાં થોડાં અભ્રો વિમલ, ઉદધિ સમરપી
કૃતજ્ઞા ! – આમંત્રે સ્મિત કરી મને મુગ્ધ જનને !
ચહે માર્ગો પેલા ચરણ છવિઓને મૃદુ ધૂલિ
પરે આંકી લેવા. ઉભયતટ ખીલ્યાં ઉપવનો
તણી ઘ્રાણો ભેળી ઇજન કરતી; શાખ તરુની
ઝુકાવી; હૈયાને સરિત પણ શી સ્પન્દિત કરે !
ધસું એ સૌ ભેળો-ઝિલમિલ થતા ઇન્દ્રધનુ શા
સુરંગો ઇપ્સાના ધરી; ક્ષિતિજની સોળ અળગી
કરી; આવ્યા ભાસે સમીપ પણ શું એહ દૂરના
મુકામો ? ઝંખ્યા જે મૃગજળ સમા દુર્લભ સદા ?
હવે ક્યાંયે પ્હોંચી નહિ વિરમવા આ મન ચહે,
ગતિમાં માણેલું સ્થિતિ મહીં રખે જો નવ મળે !
0 comments
Leave comment