97 - ન જાણું શેં... ? / ભાનુપ્રસાદ પંડ્યા


રહ્યું વસ્ત્રોનું કૈં વળગણ નવેલું નજરને
પહેલેથી. ભાળે ગવનચીતર્યા આમ્ર પરની
નમેલી શાખા તો મયૂર થઈ બેસે, ચુનરીના
નિહાળે પાસે બાવન ફરકતા બાગ, મહીં જૈ
કિલોલ સૂડા શું નજર ! ચકચૂરી ચરણ જો
ચડે રાસે ચૌટે-નૂપુર પર અંભોધિફીણ શો
છવાતો પાનીપે ઘૂઘવી ઊઠતો ઘેર નીરખી
સરે તેમાં દ્રષ્ટિ મીન સમ – તરે કેવું તરલ !

હવે કાં કાલાંથી તડતડી ફૂટેલી ધવલતા
ગમે રૂની એને હિમશકલ શી ? કોઈ યતિની
જુએ શુભ્રા કંથા તરત પછવાડે જઈ સરે !
ન જાણું શેં ઊંચે શિખર પર કો મંદિર તણા
જઈને મંડાતી મુજ મીટ – જહીં રહે ફગફાગી
ધજા આઠે પ્હોરે ઇજન કરતી શ્વેત-ભગવી !


0 comments


Leave comment