98 - પડે પગલી તેજની... / ભાનુપ્રસાદ પંડ્યા
પ્રચંડ પૂરપાટ શા વીફરી અશ્વ ઇપ્સા તણા –
ધસે, ટપકતી સદા અદીઠ લાળ લિપ્સા તણી !
મનોરથની દોટ શી ઊપડી મંજિલે સૌખ્યના !
યદા પ્રસરતા નશા ભીતરમાં નર્યા રાજસી.
કપાય મૃદુ પુષ્પછોડ લઘુ જેહ સદ્દભાવના
જરીક અમથાં ઊગ્યા, અકળ ઘૂઘવે વંચના,
ધુમાય મન – ના લહું કશુંય ક્યાંય સામીપ્યમાં,
દિયે થીજવી ઇષ્ટને સૂસવતી હવા તામસી !
પડે પગલી તેજની ઉદિત સ્હેજ જ્યાં સત્વનો
પૂષ, કિરણ રેલતાં વિમલ સ્નેહ-ઔદાર્યનાં !
થઈ ઉદધિ ઊભરું ? સુખડની સમો ઊતરું ?
થતું – સકલ વિશ્વને હ્રદય-આંગણે નોતરું !
પ્રદેશ મુજ ચિત્તનો તિમિરતેજ લીલાભૂમિ !
થતું : વિરમું સત્વમાં – અવશ અન્યમાં રહૌં ઘૂમી !
0 comments
Leave comment