20 - જીવન સુંદર, સુંદર, સુંદર / હરિશ્ચંદ્ર ભટ્ટ


તૃણમહીં ધરતી પર સુંદર,
ઘનઘટા સહકાર નિકુંજમાં,
ઉદધિમાં, ઝરણે, ગિરિમાં, રણે,
સજીવ-નિર્જીવ સૃષ્ટિમહીં બધે.
અસીમ આ નભ વિસ્તરતું પડ્યું,
સભર – ‘સુંદર’નો પડઘો પડે.

સભર સુંદર માનવનું હયુ,
પૃથિવિએ પડઘો ઝીલતું, અને
ગભરૂ શૈશવનાં નયનો કહે :
‘જીવન, સુંદર, સુંદર, સુંદર !’

પ્રણયમાં, પ્રણયી નયનો મહીં,
પ્રતિપળે ક્ષિતિજો નવી ફૂટતી.
ઉભયને પ્રતિ – ઉત્તર આપતાં :
‘જીવન સુંદર, સુંદર, સુંદર.’


0 comments


Leave comment