99 - ભીતર હસે.... / ભાનુપ્રસાદ પંડ્યા


ઉપાડ્યો કોઠીથી થરથરી ગયો, ને દમ ભરું
જરીકે, ત્યાં ફેંક્યો અલગ અહીંયાં ખેતર મહીં !
બધી ખુલ્લી ખુલ્લી ધરતી-સુસવાતી સહુ દિશા,
રહી આંજી ગાજી ચમક, અહ ! આ શી ઉપરથી ?
મને દાણાને તો સદી ગાઈ હતી એક જ જગા,
નરી દીવાલોની. તિમિર પણ ગોઠી ગયું હતું.
હવા વાસી, ઝીણા અગણ સહવાસી – સહુ ગયું ?
સુરક્ષા ફોળાઈ ગઈ ધૂળ અને ખાતર મહીં ?

પછી પાસે આખું ગગન ધસ્યું – શું શીતલ અડ્યું ?
અને રોમાંચોનાં પૂર વહી રહે અમૃત ચખું ?
ઢબુરાઈ ઢેફે બરછટ પડો થાય અળગાં.
(હતાં જામ્યાં મારી અસલિયતની આડશ બની !)
હવે તો ફૂટે તાજપ નસનસે, માટીય ખસે –
બિડાયેલું પેલું ભીતર અવ લીલું થઈ હસે !


0 comments


Leave comment