100 - ઊંચે અવ ધસે ! / ભાનુપ્રસાદ પંડ્યા


હતું માન્યું જેને અમથું ટપકું કજ્જલ જરી
ક્ષણોમાં તે પાસે સરતું ખગનું વૃંદ ! અરપે
ઘણી પાંખો વીંઝી અરથ – વળી આકાર નભને !
પ્રભાતી રંગોમાં વિખરી ધૂપછાંવી મખમલી
ઉમેરે પીંછાની ઝલહલ નવી, કૂજન થકી
ભરે ખાલીપાના કરે ઝરમરી, પક્ષ્મ મુજ આ
પરોવાતી પીંછે ! જળજળી રહેતી કિરણમાં !

ત્વચાનાં સૌ મારાં પડ સળવળે કૈં જડ તદા,
બધે રોમે રોમે ડયન કરવાં પુદ્દગલ મથે !
ખરી જાતું મારું વજન – વળગ્યું કૈં વરસનું,
ઉપાડી લે ઝીણી પવનલહરી તર્જની પરે
મને ! ફંગોળી દે અતલ અવકાશી ઊંડળમાં
અહીં વૃક્ષો, પુષ્પો તૃણસળી બધાં ઉદ્દગ્રીવ હસે !
ધરાનો જાયો રહૌં – પણ ભીતર ઊંચે અવ ધસે !


0 comments


Leave comment