101 - તેજનાં સગપણ / ભાનુપ્રસાદ પંડ્યા
રખે હોયે મારું સ્મરણ ફૂલોની સહ કશું :
ફૂલોને હો થોડા પ્રહર ત્યમ મારેય વરસ !
ઊગું, ખીલું ઝાઝું ઊઘડું અરમાને, પછી ખરું,
છતાં, ફૂલો ત્યાગી ! નિજસુખ તણો રાગી જીવ હું !
થતું : મારો નાતો ખગ સહ હશે એમ પણ હો :
કશું પંખી જેવું મમ ઉર મહીં નિત્ય ફફડે !
કરે ઊડાઊડો – હરિત તરુ આંખે બહુ રમે,
ભલી ભોળી વાણી કલરવ સમી ક્યાં મુજ કને ?
વિચારું : સાચ્ચે હું સૂરજ શશીનો વરસ નહીં ?
જરા જો ને કેવા ઉભય વસિયા લોચન મહીં !
અને શાની ઉષ્મા રગરગ વહે આ ધસમસી ?
કહે : સંયોજાતો જીવનદીપ બૂઝી રવિમહીં !
અરે, હુંયે શાનો કુસુમખગ કોઈ અલગ ના,
સગાઈ સર્વેની અવિચલ દ્યુતિના મલકમાં !
0 comments
Leave comment