102 - વિરાટ ભાળું ? / ભાનુપ્રસાદ પંડ્યા


સંધ્યા હતી : સરિતતીર જઈ વિરામું,
વેગે વહે જલ વિલોલ પથે અગમ્ય !
રક્તાંબરા ક્ષિતિજ ભાસતી ભવ્ય-રમ્ય !
પૂગે તણાઈ લઘુ જ્યાં મુજ દ્રષ્ટિતંતુ !

ત્યાં સૌ દ્રુમે વિહગવૃંદ કુજંત છંદ,
આલાપતાં ભજનપૂર વિરાગી લેલાં !
ગ્હેકી રહે કવચિત તે મહીં નીલકંઠ,
થૈ ધૂસરા ધણ થકી રણકે સીમાડા !

ચૂમે પદે કઠિન રેત છતાં રુચે તે
એ વાયુની લહરથી તર થાય હૈયું !
છે હસ્તને તૃણ અડ્યું – અડક્યું શું છૈયું ?
પક્ષ્મો ઢળે – પરમ હર્ષ થકી વિભોર !
ને દ્રશ્ય-સૂર-પરશે પલટી બધું ય
આલિંગતું ચહુ દિશેથી વિરાટ ભાળું ?


0 comments


Leave comment