55 - કાવ્ય – ૧૧ / હરિશ્ચંદ્ર ભટ્ટ


પત્ની વૃથા શિર પરે કર ફેરવે છે,
શબ્દો વદે મૃદુ; અનુત્તર એ રહે છે –
એવો અશાંત દુઃખક્ષુબ્ધ થયો હતો, કે
ગેહેય વ્યગ્ર જડમૂઢ સમો ફરે એ;
ને શૂન્યચિત્ત બની પુસ્તકને રમાડે,
ખાલી અવાજ, મૂંઝવે અતિ જ્ઞાનનો એ.

પત્ની, પડોશીય બધાં કરતાં વિચાર,
સન્ધ્યા સમેય ઘરમાં નહિ જંપતો એ.
ના બોલતો, નહિ વળીહસતો જરીયે,
એ સાંભળે કશુંજ ના, નહિ ધ્યાન આપે –
ચિદ્દભ્રાન્ત, શ્હેર મહીં એ રખડે બધે, ને
અંધાર ઘેરી ગલીએ ભમતો નકામો.

એ યાચાતો વિટપને, કંઈકે કહેશે
એ જાગીને જરૂર ઉત્તર આપશે કે
ક્યાં છે ધ્વનિ, કહીં અનંત ધ્વનિ વસ્યો છે !
વૃક્ષો અશાંત, શશિ યે મુખ ફેરવે છે
એ યાચના – દુઃખભરી વિનંતીથી એની,
ઉન્માદી જંતર શી વિનવણીથી એની.


0 comments


Leave comment