47 - કાવ્ય – ૩ / હરિશ્ચંદ્ર ભટ્ટ


મેં મુગ્ધ શૈશવ મહીંય સુણ્યો હતો એ
દૈન્યે અવાજ તુજ, વિશ્વ બધું ભરે જે
ને ગોચરે ધરતી-ગંધ મહીંય લીધી
એ મંદ-શબ્દ તણી સૌરભ મ્હેકતી જે;
કુંજો મહીં તવ પ્રભુ કર-છાય જોઈ.

ને મારૂં અજ્ઞ ઉર કૈં ન કળી શક્યું કે
શેં ચંદ્ર કો રજત સ્વર્ગીય દેવ જેવો
ઊગે; પરંતુ ઉર મારૂત-મર્મરે યે
તારો સુણે રવ અને થઇ બહાવરૂં એ
નિ:શ્વાસઅશ્રુ ગળતું રડતું હતું ત્યાં,

તારું જ સ્તોત્ર રચતી ઉતરે ઉષા આ
નીલાંબરા, પથ બધા તુજ માર્ગ રૂપ !
તું ક્યાં નહિ? પગ મુકું ગૃહ-આંગણેથી,
છૂટે નહિ, વપુની છાંય સમો તું આવે;
સ્હેજે ઉંચે ગગન ઘુમ્મટ જો નિહાળું,
ત્યાં મેઘમંડળ છબી તુજ ધારતું શી?

નિદ્રાથી જાગૃત થતાં નયનો ખૂલે ત્યાં
તારાં જ નેન મળતાં રવિ રશ્મિ થૈને.
ખાવા પીવાં મહીં બધે કટુ સ્વાદ ભેળી
તારો જ એ અદય હાથ મને રિબાવે;

ને પ્રેમમાંહી તુજ રોષ હું જોઉં શાને?
આત્માનુંતાપ થકી, કલેશથી, વેરી થૈને
ઓગાળ્યું તેં મીણ સમું સુખ, મૂક કેવો
એક્કેક વિશ્વ ઘટના મહીં તું હતો, રે !

આકાશ વાદળ મહીં રચી શ્યામ ક્રૂસો
ઝીંકે કપાળ પર, એ તું કરાલ હાથે !

મેં મુગ્ધ શૈશવ મહીંય સુણ્યો હતો એ
દૈન્યે અવાજ તુજ, વિશ્વ બધું ભરે જે.


0 comments


Leave comment