39 - રુદ્રને / હરિશ્ચંદ્ર ભટ્ટ


તું જ શેં પ્રલયસ્વામી, એકલો,
તું જ એક અવધૂત યોગી શેં !
હું ય ધ્વંસ કરતો ઘૂમી વળું,
કોઈ શક્તિ નહિં રોકાશે મને,
કોણ રોકી શક્યું તું તને કહે?

નીલકંઠ ! વિષ તેં પીધું, હવે,
કાલકૂટ સહુએ ચુસું તવ,
રોમ રોમ મહીં એ હલાહલ,
ધ્વંસનું સતત ડંખતું ભલે.

ડાકલું બજતું કૃધ્ધ હાથમાં,
શો મૃદંગ થડકાટ આપતું
તાંડવે તુમુલ પ્રેરતું જતું,

એમ આજ પ્રલય-પ્રવૃત્તિમાં,
રે મૃદંગ, મુજ ચિત્ત, તું જ થા,
ધ્વંસઘોષ કરી પ્રેરજે મને.

લોહદંડસમ બાહુની છટા,
વિસ્તરેલ ઘૂમતી ખગોળમાં,
લોહની જ અવ કારમી ધૃતિ,
ધારી શેં ન અવ રોળવું બધું ?

સ્પર્શ માત્ર નખનો થતો, ’થવા
કેશનું ઉડતું જે જટાજુટ,
લેતું વિશ્વ સઘળું વિનાશમાં.
એવી ઉગ્ર પ્રલયંકરી લીલા –
-ની ધૂણી ધખતી અ ઉરે અહીં.

આપ રૂદ્ર, તુજ તાંડવી લીલા.
જીર્ણ જેહ થયું વિશ્વમાં બધું,
વન્હિમાંહી પ્રકટ્યો વિનાશ ત્યાં,
ઘૂમી ઘૂમી સઘળું જ હોમવું.
અટ્ટહાસ્ય, તુજ આસ્યની છટા,
માગું એ જ મુખની કરાલતા.
અગ્નિ-કંકણનું તેજ આપજે
આંખમાંહી, દહતો ફરી વળું.

રૂહે વિનાશ મહીં શેષ ના કશું,
ચિત્ત, આવ, તુજને જ બાળવું.
આવજે મરૂત, તું ઉડાડજે,
રાખ એની દશ દિગ વિષે બધે.
રુદ્ર ! આજ પ્રતિસ્પર્ધિ આપણે,
આવ, કોણ જયી થાય જોઈએ !


0 comments


Leave comment