1 - જીવન આખ્ખું પળેપળ ચૂકવી એ યાદની કિંમત / હર્ષ બ્રહ્મભટ્ટ
જીવન આખ્ખું પળેપળ ચૂકવી એ યાદની કિંમત,
ઘણી મોંઘી પડી અમને પ્રથમ વરસાદની કિંમત.
બને તો તું કશું બોલ્યા વિના સરકી જજે ત્યાંથી,
ગઝલ કરતાં વધારે હોય જ્યારે દાદની કિંમત.
અહીંથી ત્યાં ને ત્યાંથી ત્યાં પગથિયાં પર ઘસો ચંપલ,
બધા સાહેબ જાણે છે અહીં ફરિયાદની કિંમત.
હતો એ કાલ લગ બેઘર, ન જાણે શું કર્યા ધંધા,
અદાથી આજ એ પૂછે છે અમદાવાદની કિંમત.
ખરીદી નહીં શકે કોઈ ખરા માણસની નિષ્ઠાને,
બધાની છોડ, પૂછી જો જરા એકાદની કિંમત.
રહ્યો છું ‘હર્ષ’ કાયમ ભીડમાં – ઘોંઘાટમાં એવો,
હૃદયથી પણ વધુ લાગી હૃદયના સાદની કિંમત.
0 comments
Leave comment