59 - કાવ્ય – ૧૫ / હરિશ્ચંદ્ર ભટ્ટ


નિદ્રાની હેતાળ શાન્તિ મહીં સૌ
માતા જેવી વ્હાલસોઈ દીવાલો,
આપ્તો જેવી ગેહની શાન્તિમાંયે
ન્હોતો ધીમો ઉંદરોનો અવાજ.

ગીતોર્મિનાં મંદપ્રસ્પંદ જેવી
ધીમે ધીમે શી ગૃહિણી શ્વાસે છે !
શ્રદ્ધાળુ, અશ્રાન્ત ઓષ્ટોથી ધીમે
પ્રાર્થે છે આ એક ઘડીઆળ માત્ર.

હૂંફાળો શો નાનડો કો બિડાલ
સૂતો હોયે, એમ આંહી અચેષ્ટ,
જાણે ના કૈં, સાંભળે ના કંઈએ
એવો સૂતો પારણે હૃષ્ટ બાળ.

રાત્રે એવી શાન્તિમાં યાન્ન જાગે :
ઓ દેવા ! તું દુઃખ મારું જુએ છે,
બાળી મારા પાપ વ્હારે તું ધાજે,
શાન્તિમાંથી, ક્રુદ્ધ થૈ કાઢ બ્હાર.

એ દેવા, તું નાદમાં ક્રુદ્ધ ગર્જે,
ઓ મારા તું યાતનાના ઉપાસ્ય-
ઘંટાનાદો ગર્જતા છો ફરીથી,
ત્વત્ પુણ્યાળુ નિર્દયી નાદ ગર્જો.

આજે પાછું ચંડ મારૂતમાં એ
તારું વ્હેજો મુક્ત ને ક્રુદ્ધ ગાન,
ગેડે આવી મૃત્યુની શાન્તિમાં આ
ભોંકાયે છો, શૂળ ત્વન્નાદનું એ.

રહેવું અહીં ત્રાસરૂપ, કરુણાનિધિ આવ, ઓ !
લગાવ તુજ ચાબખા, તુજ નિનાદની દે વ્યથા,
પધાર, પરિત્રાણ મારું કર, ક્રુદ્ધ તું આવ, ઓ
અને મુજ કરે તું આપ તુજ હાથ લંબાવીને –
પુણ્યાળું રે નિઠુર !
સતત રણકતા છો ધ્વનિ ત્વન્નિનાદો !


0 comments


Leave comment