10 - જુલિયેટનું સ્મરણ / હરિશ્ચંદ્ર ભટ્ટ


વીતતી વસંતમાં,
સવારની લટારમાં,
જતો હતો હું જોસમાં;
પૂર્વમાં અપૂર્વ દૃશ્ય આજ હું નિહાળતો –
અપૂર્વ ?
એ રીતે ન જોયલું,
અપૂર્વ તેથી હું કહું;
શ્હેરની હવેલીઓની ટોચ ઉપરે ઊગ્યો સૂર્ય,
શબ્દ રોમિયો તણા, સ્મરી સ્મરી હું રાચતો :
“પૂર્વ, ઓ રહી પણે !
સૂર્ય, જુલિયેટ તે !”*
[સ્વપ્નશી ઊભેલ એ અટારીએ.]

* શેક્સપીઅરનાં રોમિઓ અને જુલિયેટમાં રોમિઓની ઉક્તિ : “Yonder is the east and Juliet is the sun.”


0 comments


Leave comment