0 - પરિચય / નગીનદાસ પારેખસાહિત્યમાં પ્રજાની જીવનભાવના, આશાઓ, આકાંક્ષાઓ અને મંથનો વ્યક્ત થાય છે, એટલે કોઈપણ પ્રજાના સાહિત્ય મારફતે તેનો પરિચય મેળવીએ છીએ, ત્યારે જાણે આપણે તે સમસ્ત પ્રજાના અથવા કહો કે રાષ્ટ્રપુરુષના અંગત પરિચયમાં આવતા હોઈએ એવો અનુભવ થાય છે. આજે જ્યારે સારે બહાને તેમ જ ખોટે બહાને જગતનાં દેશો એકબીજાની વધુ નિકટ આવતા જાય છે, ત્યારે એ બધા દેશો વિષે માહિતી મેળવવાની ઈચ્છા તો સૌને થાય છે જ. પણ સામાન્ય રીતે આપણે ઐતિહાસિક, ભૌગોલિક, રાજકીય કે આર્થિક માહિતીથી સંતોષ માની લઈએ છીએ. એ બરાબર નથી. એ બધાંની પાછળ એ પ્રજાનો જે પ્રાણ ધબકી રહ્યો હોય છે તેનો પરિચય સાધ્યા વિના આ બધી માહિતી નકામી જેવી જ રહેવાની. અને એ પ્રાણપરિચય તો તે તે દેશનું સાહિત્ય જ આપણને આપી શકે. વિશ્વસાહિત્યનો પરિચય પણ વિશ્વપરિચય જેટલો જ રોમાંચક, પ્રેરક, બોધક, આનંદદાયક અને સંસ્કારક હોય છે. સાહિત્યનાં નવાં નવાં સ્વરૂપો બતાવી તે આપણી દૃષ્ટિને વિશાળ અને ગ્રહમુક્ત બનાવે છે, અનેક માનવહૃદયોનો અંતરતમ પરિચય આપી આપણી માનવતાને વિકસાવે છે, અને માનવ આત્માની પ્રધાન ઝંખનાઓ સર્વત્ર અને સર્વદા સમાન જ છે એ બતાવી આખી માનવજાત સાથે આપણું અનુસંધાન કરે છે.


આપણને વિશ્વસાહિત્યનો જે કાંઈ થોડો પરિચય છે તે લગભગ બધો જ અંગ્રેજી અનુવાદો મારફતે મળેલો છે. એ અનુવાદો વિષે અનુકુળ પ્રતિકૂળ કોઈપણ પ્રકારનો અભિપ્રાય વ્યક્ત કર્યા વિના પણ એટલું તો જરૂર કહી શકાય કે આપણે પોતે સીધા તે તે ભાષા શીખીને તે તે સાહિત્યનો પરિચય મેળવીએ એના જેવું તો એકે નહિ. એ રીતે વિચારતાં ફ્રેંચ, જર્મન, રશિયન કે બીજી કોઈ વિદેશી ભાષામાંથી સીધા થયેલા અનુવાદો આપણે ત્યાં અતિ વિરલ છે. એવી પરિસ્થિતિમાં ભાઈશ્રી હરિશ્ચંદ્ર ભટ્ટ પોલીશ ભાષા શીખીને ત્યાંના નવયુવાનોમાં અગ્રણી ગણાતા એક કવિની ઉત્તમ કૃતિનો અનુવાદ આપે છે, એ ઘણી જ આનંદની અને અભિનંદવા જેવી વાત છે. પોલીશ પ્રજાના ઈતિહાસનો એમણે અભ્યાસ છે, એ વિષે એમણે એક પુસ્તક પણ લખેલું છે, એ પ્રજાની સંસ્કૃતિ પ્રત્યે એમને મમત્વ જાગેલું છે અને એ રીતે એ પ્રજાના સાહિત્યને આપણી સમક્ષ રજુ કરવાના એઓ પૂરા અધિકારી છે. મને પોલીશ ભાષાનો બોધ નથી એટલે એ દ્રષ્ટિએ તો અનુવાદ વિષે હું કશું કહી શકું એમ નથી, પણ આટલી તૈયારી પછી થયેલો અનુવાદ મૂળનો ખ્યાલ આપવા સમર્થ હશે એવી આશા જરૂર રાખી શકાય.


ભાઈશ્રી હરિશ્ચંદ્ર સાથે વાતો કરી કરીને અને એમણે આપેલું સાહિત્ય વાંચીને પોલાંડ વિષે અને આ કાવ્યના કવિ વિષે મેં જે જાણ્યું છે તેમાંથી બે ત્રણ વસ્તુ અહીં નોંધવા માંગુ છું. એક તો એ કે પોલાંડને એનાં પાડોશી રાજ્યો અનેકવાર વહેંચી ખાઈ ગયાં છે અને એ વારેવારે કાળિકા માતાના કુકડાંની જેમ તેમના પેટ ચીરી બહાર આવી એક થઈને ઊભું છે. આજે પણ એ દેશ પરચક્રની યાતના ભોગવી રહ્યો છે. જે દેશને પોતાની આગવી સંસ્કૃતિ છે, પોતાનું સાહિત્ય છે, સંગીત છે, કળાની સ્વતંત્ર ભાવના છે, જેની પ્રાણશક્તિ ખૂટી ગઈ નથી, જે હજી શોપેન (૧૮૧૦-૧૮૪૯) જેવા દૈવી સંગીતકાર, માટેયકો (૧૮૩૮-૧૮૯૩) જેવા દેશપ્રેમી ચિત્રકાર, મિત્સ્કિયેવિચ (૧૭૯૮-૧૮૫૫) જેવા મહાન કવિ, સ્લોવાટ્સ્કી(૧૮૦૦-૧૮૯૯) જેવા રૂપક કલાકાર, સાહિત્યનાં નોબલ ઇનામ મેળવનાર હેનરી સિંકીયેવિચ(૧૮૪૬-૧૯૧૬) અને ડબલ્યુ. રેમોન્ટ (૧૮૬૮-૧૯૨૫) જેવા સાહિત્યકારો અને બબ્બે વાર વિજ્ઞાનનું નોબેલ ઇનામ મેળવનાર મેડમ ક્યુરી (૧૮૬૭-૧૯૩૪) જેવા વૈજ્ઞાનિક પેદા કરી શકે છે, એ દેશમાં સ્વાતંત્ર્યની ઝંખના આખી પ્રજાને સદા બાળ્યા કરતી હોય એ સમજી શકાય એવી વસ્તુ છે અને તે એના સાહિત્યમાં પણ વ્યક્ત થયા વિના રહે નહિ. આથી જ એમના અનેક ઉત્તમ કવિનાં કાવ્યોમાં સ્વતંત્ર પોલાંડનાં સ્વપ્નાં અને સ્વરાજ્યનાં ગૌરવાન્વિત ચિત્રો જોવા મળે છે.


બીજી વસ્તુ તે આ કવિનો જન્મકાળ. આ કવિનો જન્મ ૧૯૦૭માં થયો હતો, એટલે આજે એની ઉંમર ૩૪-૩૫ વર્ષની હશે. આ હું એટલા માટે નોંધુ છું કે એ કઈ પેઢીનો છે તે આપણને જાણવા મળે અને કંઈકે તુલનાથી વિચાર કરવો હોય તો કરતાં ફાવે. ત્રીજી વસ્તુ એ કે એને પોતાના કુટુંબના વાતાવરણમાંથી દૃઢ ઈશ્વરાસ્થા મળેલી છે, અને આજના જીવનનાં વિવિધ પ્રશ્નોનો સામનો થતાં એમાંથી એક પ્રકારની કર્તવ્ય-પરાયણ ધર્મશીલતા પ્રગટે છે, જેને આપણે સંત ફ્રાંસિસની ભાવના સાથે સરખાવી શકીએ અને જેમાં ત્યાગ, સાદાઈ અને ભૂતદયા પ્રધાન છે. ધર્મના રૂઢિગત સ્વરૂપ અને આચારોને ઉતારી નાખી, માનવ માનવનાં રોજના વ્યવહારમાં નિયોજી શકાય એવું ધર્મ સ્વરૂપ આપણે પણ ઈચ્છીએ છીએ, અને ગાંધીજીએ ધર્મની વ્યાખ્યા ‘આત્માની દ્રષ્ટિએ પાળેલી નીતિ’ એવી આપીને આપણા જમાનાની ઝંખનાને બરાબર વ્યક્ત કરી છે. આ રીતે ઘડાયલા માનસવાળી વ્યક્તિને જીવનમાં ક્યારેક એવી એક હાકલ આવે છે જેને એ અવગણી કે પાછી ઠેલી શકતો નથી. આવી હાકલ એ જ પ્રસ્તુત કાવ્યના વિષય છે.


કાવ્યનો નાયક યાન્ન છે. નાયિકા એની પત્ની માર્યા છે. આખા ઘરમાં રાત્રિની અને કુટુંબસુખની શાંતિ વ્યાપેલી છે. એના વર્ણનથી કાવ્ય શરૂ થાય છે. એમાં જ આપણને કવિની મિતાક્ષરી છતાં કહેવાનું બધું કહી દેવાની શૈલીનો પરિચય થાય છે. એની ઉપમાઓ જોવા જેવી છે.


નિદ્રાની હેતાળ શાંતિમહીં સૌ,
માતા જેવી વ્હાલસોઈ દિવાલો,
આપ્તો જેવી ગેહની શાંતિમાંયે
ન્હોતો ધીમો ઊંદરોનો અવાજ.


પારણે સૂતેલા બાળકનું વર્ણન પણ આકર્ષક છે.


હૂંફાળો શો નાનાડો કો બિડાલ
સૂતો હોયે, એમ આંહી અચેષ્ટ,
જાણે ના કૈં, સાંભળે ના કંઈએ
એવો સૂતો પારણે હૃષ્ટ બાળ.


ત્યાં એકાએક દેવળની ઘંટા જોરથી વાગી ઊઠે છે અને તે સાંભળીને યાન્ન સફાળો જાગી જાય છે. આ ઘંટાનાદ જાણે કંઈ માગતા હોય એવું એને લાગે છે અને એ અસ્વસ્થ બને છે.


બીજા કાવ્યમાં એનું મંથન છે. બીજા બધા જ્યારે કૌટુંબિક સુખની શાંતિમાં મગ્ન છે ત્યારે એક મને જ તમે કેમ બોલાવો છે? બીજાઓને તો તું માયાળુ ગોપાળ બનીને સંરક્ષે છે, તો પછી તને મારી જ શાંતિ કેમ કઠે છે? સંગીતનાં સુરોની પેઠે આ ઘંટાનાદો પણ અનંતમાં વિલીન થઈ જાઓ.


ત્રીજા કાવ્યમાં નાયક પોતે કહે છે કે આ હાકલ તો હું ઠેઠ બાળપણથી સાંભળતો આવ્યો છું. સચરાચર વિશ્વમાં તારો સાદ સંભળાઈ રહ્યો છે. તેં મારા સુખને મીણની પેઠે ઓગાળી નાખ્યું. એ વર્ણન ખૂબ સરસ છે.


ચોથા કાવ્યમાં એનું હૃદયમંથન વધુ તીવ્ર બને છે. એ પોતાનો સુખી સંસાર છોડી જતાં ડરે છે અને આ ધ્વનિના આકર્ષણથી પોતાનું રક્ષણ કરવા આ એ પોતાની પત્નીને પ્રાર્થે છે. આ ધ્વનિઓ તો ‘આ નાનડુ બટકું એ સુખ-ભાખરીનું’ ઝૂંટવી જવા ચહે છે.


પાંચમાં કાવ્યમાં માર્યા પોતાના પતિને બચાવવાનો નિર્ધાર કરે છે. એ આખી ઉક્તિ બલિષ્ઠ છે.
ચોકી કરું શ્વાન થઈ હું બારણે,
અતંદ્ર હું રક્ષક દુઃખી પત્ની હું.
ક્રોધે વાળું મુઠ્ઠી હું ઈશ સામે
ઘંટાનાદે નાથને જો નિમંત્રે.


ત્યારપછીના છઠ્ઠા કાવ્યમાં પતિની ચોકી કરતી માર્યાનું સબળ રેખાઓથી દોરેલું ચિત્ર છે.


સાતમા અને આઠમા કાવ્યમાં યાન્નની વસંત બહારે ખીલતી ગૃહકુંજનું ચિત્ર છે અને એની હૃદયરાજ્ઞીની અને ઈશ્વરની હાકલ વચ્ચે મચેલો ગજગ્રાહનો ઉલ્લેખ છે. આ ચિત્ર આપીને કવિએ યાન્નનું મનોમંથન વધારે ઉઠાવમાં મૂકી આપ્યું છે. નવમાં કાવ્યમાં માર્યા ભોળપણમાં એમ માની લે છે કે હવે મારો પતિ નહિ જાય; ઈશ્વરના નાદ ઉપર મારો વિજય થયો છે. અને આ શાંતિમાં બે માસ વીતી જાય છે. પણ યાન્નનું ચિત્ત હજી સ્વસ્થ થયું નથી.


યુરોપનું ચોમાસું ખૂબ ગંદુ હોય છે. દસમું કાવ્ય એના વર્ણનથી શરુ થાય છે.


રસ્તા બધા કાદવથી ભરેલા
ગ્લાનિભરી આરઝુ જેમ હૈયે.
રસ્તે સૂને એકલો યાન્ન આવે
બોખા બુઢ્ઢા હોઠની ખાંસી જેવો.


યાન્ન વિચારે છે કે આ ચોમાસાના દિવસો જેવું જ મારું જીવન પણ થઇ ગયું છે.


અગિયારમા કાવ્યમાં યાન્નની અશાંતિ ઘણી વધી જાય છે. એ મૂઢ જેવો બની જાય છે. માર્યા અને પડોશીઓ પણ ચિંતામાં પડી જાય છે.


બારમાં કાવ્યમાં તો યાન્નને પોતાને સમજાઈ જાય છે કે :
માર્યા ! પ્રિયે ! કર ક્ષમા તુજનો નથી હું,
બોલાવતો ધ્વનિ મને ભગવંતનો આ.
અને
રૂંધે મને કફનશી અવ સૌખ્યશાંતિ,
કિન્તુ પ્રમાદ ગળતો, ઊઠતો હવે હું.


તેરમા કાવ્યમાં કવિ માર્યાની લાચાર દશાનું વર્ણન કરે છે અને આખરે કહે છે :
માર્યા બિચારી ભયગ્રસ્ત માર્યા
નહીં જીતે તું ધ્વનિ જ્યાં નિમંત્રે !


ચૌદમા કાવ્યમાં બધા એને આ સુખશાંતિથી ભર્યું ઘર ન છોડી જવા વીનવે છે, પણ એ તો
વિષાદભારે વદતો ફરી ફરી,
નહીં નહીં હું, નહીં હું નહીં રહું.


પંદરમા કાવ્યમાં પહેલા કાવ્યમાં આવેલું યાન્નની સુખશાંતિનું વર્ણન ઓછું આવે છે. એવી શાંતિમાં પણ યાન્નને ઊંઘ આવતી નથી. અને તે ઈશ્વરને આ ઘરમાંથી પોતાને છોડવવા ધ્વનિઓ રૂપી ચાબખા મારવા વીનવે છે, અને ત્રણ જ શબ્દોના સોળમા કાવ્યમાં આપણે ધ્વનિને ઝંકારતા સાંભળીએ છીએ.


સત્તરમા કાવ્યમાં પૂઠે દોડતી પત્નીની વિનવણીઓને અને બાળકનાં રુદનને અવગણીને યાન્ન સદાને માટે ઘર છોડીને ચાલ્યો જાય છે.
એ ગયો ધ્વનિ-નિમંત્રણે ગયો,
નાદ-સાદ-રવ સાંભળી ગયો,
ઘાસ શું સુખ પગે છૂંદી ગયો,
અગ્નિમાં હૃદય બાળતો ગયો.


છેલ્લા અઢારમાં કાવ્યમાં ભગવાનના નાદથી પરાજિત માર્યાનું ચિત્ર છે. એ ગાંડી થઇ ગઈ છે. ક્રોધથી મુઠ્ઠીઓ વાળી એ વારેવારે ઈશ્વરને શાપ આપે છે. આ આ કાવ્યનો કરુણ અંત આવે છે.


આ કાવ્ય વાંચતાં બુદ્ધનું મહાભિનિષ્ક્રમણ આપણને એકદમ યાદ આવે છે, અને તેની સાથે એની તુલના આપોઆપ જ થઈ જાય છે. મહાભિનિષ્ક્રમણનો હેતુ તદ્દન સ્પષ્ટ છે, આમાં નથી, પણ અહીં પણ હાકલ કોઈ ઉન્નત કાર્ય માટે છે એ તો ચોક્કસ. આમ, કાવ્યનો વિષય માનવજીવનનું એક સનાતન મંથન છે અને કવિએ એનું નિરૂપણ પણ ઉચિત સંયમથી અને સચોટ બલિષ્ઠ રેખાઓથી કર્યું છે, એ આપણે આ ટૂંકા સારમાંથી પણ જોઈ શકીએ છીએ. આવા કાવ્યોમાં હાકલ સાંભળનાર વ્યક્તિનું ગૌરવ વર્ણવવા જતાં તેનાં સ્વજનોની ઉપેક્ષા થવાનો ભય રહે છે, પણ આ કાવ્યમાં કવિએ યાન્નની પત્નીને અને બાળકને સતત નજર સમક્ષ રાખી કાવ્યને ખૂબ અસરકારક બનાવ્યું છે. કાવ્યમાં યાન્નનાં મંથન જેટલો જ ભાગ માર્યાનો દૈવ સાથેનો ગજગ્રાહ પણ ભજવે છે. અને એથી જ મહાભિનિષ્ક્રણમાં આપણું ધ્યાન બુદ્ધનાં અસામાન્ય ત્યાગ તરફ જાય છે, તેમ અહીં આપણું ધ્યાન એવા ત્યાગ પાછળ રહેલા કારુણ્ય તરફ વધારે જાય છે.


હવે અંતમાં મારે એક જ વસ્તુ કહેવાની રહે છે, અને તે એ છે કે આવાં વિદેશી કાવ્યો પહેલે જ વાચને આપણને ન પણ આકર્ષે, એવું બને. એના કારણોમાં વિષયનું નાવીન્ય, શૈલીનું નાવીન્ય, ભાવપ્રતીકોનું નાવીન્ય, એક અનેક વસ્તુઓ હોઈ શકે. પણ જો આપણે સહૃદયતાથી એનું પરિશીલન કરીએ તો આપણે એનો રસાસ્વાદ જરૂર લઈ શકીએ. અને એમ નવાં નવાં સાહિત્યનો આસ્વાદ લેવાની શક્તિ કેળવવી એ પણ એક સંસ્કારની કેળવણી છે, અને જીવનમાં ખૂબ ઇષ્ટ છે.


મુંબઈ,
૨૦/૧૨/૧૯૪૧,
નગીનદાસ પારેખ0 comments


Leave comment