૩૧ - રોઈ ન શકેલી ગોપીનું ગીત / જગદીપ ઉપાધ્યાય


અંજળ ખૂટ્યાંની વેળા આ પાંપણ ઉપર તબકે
રે ગિરધારીલાલ,
લોહીમાં ઓગળતાં આંસુ; હોઠ છતાંયે મલકે
રે ગિરધારીલાલ.
ભરી વસંતે ઝાકળવંતાં લીલાં સગપણ બટકે
રે ગિરધારીલાલ,
કંટક હો તો કાઢી લઈએ આ તો વેણુ લવકે
રે ગિરધારીલાલ.
રસવસ રાસ રમ્યાનાં દ્રશ્યો આજે આંખે છલકે
રે ગિરધારીલાલ,
પૂનમની એ ઝાકળ રોમેરોમ પ્રજાળી થરકે
રે ગિરધારીલાલ.
લીલી કરવતથી જીવડો વહેરાતો કટકે કટકે
રે ગિરધારીલાલ,
યાદોના ચેતાવી રંગો સંધ્યા બળતી ભડકે
રે ગિરધારીલાલ.
રેતીમાં ચીતરેલી વાતો બાંધી દીધી બચકે
રે ગિરધારીલાલ,
જળઝંખાની કૈંક કથાઓ મૃગજળ આગળ અટકે
રે ગિરધારીલાલ.

'અખંડ આનંદ' : જાન્યુઆરી – ૨૦૦૦



0 comments


Leave comment