36 - અગ્નિને / હરિશ્ચંદ્ર ભટ્ટ


હોતા છું, પાવકાગ્નિ !
લાવ્યો મારાં કિલ્બિષો, બાળજે તું,
જેવો તારી સાત જિહવા થકી તું
હોમાયેલું જાય છે સર્વ ભક્ષી.
પૃથ્વીને તું બાળતો સૂર્ય રૂપે,
બાળે, એની ભૂખ વર્ષાની જાગે,
મારામાં રે એમ, ઓ અગ્નિ ! જાગો
વર્ષાની એ ભૂખ, જેના થકી હું
અમૃતોની ધાર ઝીલું સહસ્ત્ર.

ઋત્વિજ છું, વરદાગ્નિ !
તારી શક્તિ, તેજ તારાં તું આપ,
માગું તારી ચેતનાના કણો હું.
અગ્નિપ્રેર્યા અંતરિક્ષેય વિશ્વો;
સ્વયંભૂ તું, અગ્નિ ઓ ! પ્રેમીઓનાં
ચિત્તોમાં તું આવ, પ્રાણે તું આવ.
તારા પ્રેર્યા અર્થ ને કામ માટે
સંસારે આ છે જ વ્હેવાર સર્વ.

હોમાવાની છે જ કયા તને આ,
જયારે મારી ચેતના સંહરે તું,
એને આજે સુકૃતાર્થી બનાવ.

બ્રહ્મા છું, મંગલાગ્નિ !
હૈયે હૈયે હેતના હોજમાં તું,
રાષ્ટ્રે રાષ્ટ્રે તું જ માનવ્ય સાચું;
શેણે આજે શોણિતોની નદીએ
પૃથ્વીને તું ભીંજવે અગ્નિ, પૂછું ?
શબ્દોમાં તું વ્યંજના, પ્રેરણા તું,
સૌન્દર્યોમાં જાગતું સત્ય તુંથી,
ચેતનવંતું સૃષ્ટિમાં જે બધું, ત્યાં
તારી ઉષ્મા, તેજ તું, તું જ અગ્નિ.
તું રોળે છે ચૌદ બ્રહ્માંડ તારાં
રૌદ્રે રૂપે, ને વળી યજ્ઞથી તું
તારા સર્જે છે નવી સૃષ્ટિ પાછી.

તારા સાતે હાથમાં બાણ લૈને.
તેવા યજ્ઞે પ્રેર તું માનવોને.


0 comments


Leave comment