38 - પવનને / હરિશ્ચંદ્ર ભટ્ટ


સૂસવતા અહિ-ફેન સહસ્ત્રથી,
અનિલ, તું વિષનું શીત લાવતો,
અગર તું વડવાનલ અગ્નિ શો,
જગત, ખાંડવ શું, બધું બાળતો –
પૃથ્વીને બાંધતો શું યમરૂપ થઈને પાશ ફેલાવી તારો ?

ક્ષિતિજમાં દૂર ધ્રૂજતી વીજળી,
પૃથિવીને ઉર કંપ થતો જરી,
અનિલ, વિદ્યુતવાહક તું થઇ,
જગવ કંપન પ્રાણ મહીં હવે –
આવી વિદ્યુત સખા તું, સજીવન કરજે પ્રાણસંચારથી તું.

ઉદધિમાં તરતી તરણી, સઢો,
મરૂત, તું ભરજે, દૂર લૈ જજે,
ધરતીએ ધન-ધાન્ય લણે જનો,
ઉતરજે કર-અંગુલિમાં તહીં.
અગ્નિના આવ, સાથી, તૃણ-જન-જગ સૌ મોદથી તું ભરી જા.

ગગનથી સરજે ખગ પાંખથી,
ઉતરવા અહીં યંત્ર-ગતિ મહીં,
ઉતરજે અહીં અશ્વજવે, ‘થવા,
શરતમાં જીતનારતણા ડગે –
આવેગે આવજે તું, શિશુસ્મિતસમ વા આવજે વાયુ મંદ.

પવન આવ, ઉઠાવ, ઉપાડ તું,
કર અભાન રૂંધી અવ પ્રાણ આ,
ગગનમાં ચગવી ઘુમરાવીને,
પૃથિવિ ઉપર તું જ પછાડજે –
ડંખીને મૃત્યુશીતે, સજીવન કરજે,
પ્રાર્થના એ જ મારી.


0 comments


Leave comment