23 - વસંત / હરિશ્ચંદ્ર ભટ્ટ


આ આમ્રની મંજરી મ્હોરતી હજી
અધૂકડી, ને સ્વજનો ગુમાવવાં;
વસંત ઓ ! જીવનની વસંતમાં,
સ્નેહી અને આપ્તનું મૃત્યુ જોવું?

વસંત ! તું કોકિલ કૂજને, અને,
નવાંકુરે પ્રાણ પૂરી રહે બધે,
ને કેસૂડો કૈંક વસંતમાંય તે,
ભર્યો ભર્યો નેન રસે પીવાડે.

વસંત ઓ ! પ્રેમમયંક પૂર્ણિમા
જોવી, અને સ્નાનપૂનિત થાવું,
વાત્સલ્ય-સિન્ધુ મહીં જીવને આ.

આનંદથી, જીવન-મૃત્યુ, દુઃખથી,
વસંત સમૃદ્ધ ભર્યો ભર્યો સદા,
વસંત ! તું દોષિત હોય ના કદા.


0 comments


Leave comment