31 - પરાજય / હરિશ્ચંદ્ર ભટ્ટ


[જય જીવનનાં છે ના કોઈ, જહીં ન પરાજય]

(૧)

ઊભા ઊંચા આલ્પ્સો હિમમય અને કુંદધવલ.
શશી-રવિનાં કિરણો ઝીલીને,
અને ઝીલી તારક-તેજ-રશ્મિ,
ક્ષણે ક્ષણે એ નવતા ધરે છે.

ત્યાં મુક્ત નિર્ઝર વહી ગિરિકન્દરાથી,
સ્પર્ધા કરે હરિણબાળ શું ખેલવાને,
ને મસ્ત, માદક સુગંધ વહાવતો ત્યાં
વૃક્ષોને વલ્લીઓમાં અધીર પ્રણયી શો માતરિશ્વા વહે છે.

(૨)

વીર એક હતો કિરીટી શો,
રૂપમાં મન્મથ શો યુવાન એ.
લઇ અશ્વ જતો સવારમાં,
મૃગયાએ ગિરિની તળેટીમાં.

***

જેવી કો મુગ્ધ બાલા પ્રથમ મિલનની રાત્રિ વીત્યે, સવારે,
હૈયામાં મોદભીનું મરકલડું કરી જોઈ રહેતી પિયૂને,
- પ્રાચી હજી નેન ઉઘાડતી હવે,
હેમન્તનો સૂર્ય જગાડવાને.

સવારની એ વનની વનશ્રી,
ને અભ્રજૂથો ગિરિમાળ વચ્ચે,
કિલ્લોલતાં પંખી, સુગંધભીની
ધરિત્રી, ને નિર્ઝર ગાન મીઠાં.
જગાવે શી હૈયે ભ્રમણમનીષા એ વનમહીં.

વીણાનાદે જેવું હરિણ શિશુ કો મુગ્ધ થઈને,
જતું ખેંચાઈને રવ ભણી; થઇ લુબ્ધ વીર આ
વનાન્તમાં ને ગિરિકન્દરામાં,
દૂરે જતાં એ નિજ માર્ગ ભૂલે.

સવાર વીતી, દિવસેય વીત્યો,
હેમન્ત વીતી, વસતો વીત્યાં કૈં,
એ વીર આવ્યો નહિ એ વનેથી.

જનો કહેતા રતિનો નિવાસ
તહીં હતો કોઈક કન્દરામાં.
હતી લોકની કિંવદંતી કે
રતિ ધામે નહિ કો જશો કદિ,
યદિ કોઈ પ્રવાસી ત્યાં જતો,
નહિ પાછો ફરતો કદિય તે.

(૩)

હેમાંગી ઉત્સવ – રતા અનુરાગ-રાજ્ઞી
આ વીરને ડુબવતી રસમાં લુભાવી.
એણેય અર્પણ કર્યું નિજનું હતું જે,
એ રાજ્ઞીને હૃદય-રાજ્ઞી થવા દઈને.

લાવણ્ય કાન્તિ રતિનાં અભિરામ એવાં,
ઉરનાં ઉરમાંહી શાં વસ્યાં,
નહિ જેવી વસી ઉર્વશી કદી.
અકુતોભય લાલને હતો,
શિશુ શો મુગ્ધ હતો યુવાન એ.

એ વૈભવોમાં લયલીન, તોયે
આજન્મ એના હૃદયે વસેલી,
અપૂર્ણ વાંછાતણું શલ્ય એને,
કોરતું, બાળતું હૈયું, મન્થને ગાત્ર ગાળતું.

(૪)

કલ્પાંતે યે શમે ના, હૃદય મહીં હતી એવી જે ગૂઢ વાંછા,
તેને એ પામાવાને કર મહીં લઈને કાષ્ટનો દંડ શુષ્ક
વિદાય લેતો રતિની જવાને
તીર્થાટને ચીવરધારી વીર.
વિદાય દેતી સ્મિતપુષ્પ આપી
રતિ, જતો ખિન્નમને પ્રવાસી.

રતિના સ્મિતના જેવું શિખરે રમતું હતું,
દિગન્તે ડૂબતા સૂર્યે ફેંકેલું એક રશ્મિ જે.

સંધ્યાના એ સ્મિતતણખનો અંતરે રક્તરંગ
ધારી હૈયે શશી પૂનમનો પૂર્વમાં ઊગતો હતો.
વિષાદછાયા ઉરમાં ગ્રહી એ,
વિદાય લેતો ગિરિ કન્દરાની.

(૫)

તીર્થે તીર્થે અશ્રુગંગા વહાવી,
તીર્થે તીર્થે શોધતો સાન્ત્વના એ,
ઊંડે ઊંડે કોઈ કાર્પણ્યભાન,
ગાળી એને દીન દુઃખી બનાવે.
તીર્થરાજ તહીં રોમ-ધામમાં,
ધર્મમાં રત ગુરુ વિરાજતા.
કલાન્ત યાત્રી, ચરણાવિન્દમાં,
અર્પવા જીવન એમને જતો.
‘शिष्यस्तेहं शाधिमां तवां प्रपन्नम
અકથ્ય ને કો અણપ્રીછી વાંછા
તણું લઇ શલ્ય ઉરે ફરું છું...
ધન્વી હતો હું, જય ને પરાજય
જોયા ઘણા મેં, જય શો છતાં યે
સંસારમાં તે –
ન હું જાણતો હજી !
અનેક વર્ષો રતિધામમાં રહ્યો,
તહીં જરી શલ્ય ભૂલ્યો હતો જૂનું.
સૌંદર્યનું જે શિવ પામવા તે,
પીવું કયું ઝેર કહો પ્રભુ મને’

***

“રતિનો અતિથિ થયો હતો?
ભૂલતો ’તો તુજ શલ્ય ત્યાં વળી ?
શિવ પામવું? પામવુંય છે
તુજને સુંદર ? ને થવું જયી?
જીવને વરમાળ પ્હેરવી
યશની, શી તુજ ધૃષ્ટતા ખરે !
રતિને સઘળું સમર્પીને,
પ્રણયે જીવન હોમતો બધું ?
અવ અંજલિ અર્ચના લઇ,
ગ્રહવાની વિનતી કરે મને?
નિજનું સઘળું ભૂલ્યો, અને
વિસર્યો જીવન, શ્રેય તું ભૂલ્યો.
નહિ માર્ગ કશો હવે રહ્યો,
ફર પાછો, પતને પડેલ તું !
નહિ કિલ્બિષ એ છૂટે હવે,
અવ જા; તું અહીંથી વિદાય લે,
નવ પલ્લવ શુષ્ક દંડ આ
ધરશે તો તુજને ગ્રહું હું યે.”

***

ગયો હતો આત્મસમર્પણે એ,
’થવા ગણ્યું કિલ્બિષ મોચનાર્થે
તેના, અને સાંત્વન યાચવા તે,
કઠોર સૂણી વચનો, દુભાયલો,
નિરોધતાં અશ્રુપ્રવાહ એનો,
પડ્યો થઇ મૂર્છિત, દંડ યે સર્યો.
મૂર્ચ્છા વળતાં જાગી, અસ્વસ્થ સ્વસ્થ એ થતાં,
વિદાયનું જે રતિએ દીધેલું,
ઉરે સ્મરી એ સ્મિત પ્રેમભીનું,
જતો પાછો આઘે પરિચિત અને કુંદધવલાં
ઉંચા આલ્પ્સે પેલા ચિરપ્રણયીનો સાથ કરવા.

***

અરે, પરંતુ થયું એક કૌતુક.
ત્રણેક વીત્યા દિવસો, તહીં તો
ફૂટ્યાં નવા પલ્લવ શુષ્ક દંડને.!


0 comments


Leave comment