41 - પ્રથમા નારી – (૧) / હરિશ્ચંદ્ર ભટ્ટ


શંભુનું જે અર્ધનારી-સ્વરૂપ,
તેની તું છે પ્રકૃતિ ! પૂર્ણ નારી !

સ્ત્રીઓમાં તું પ્રથમા, તું સતી છે,
પ્રથમા નારી! આવ ઓઢાડું તુંને
વસ્ત્રો આછાં શ્વેત ચારે દિશાનાં.

પ્રાત:કાળે સૂર્ય થૈને ચૂમું હું
તારા હોઠો, ને સુહાગી કરું હું,
સાંજે જાતાં કેશ સંમાર્જી તારા
બાંધુ મોટી તારકોનાં લલાટે.

ગ્રીષ્મે આવી પૂર્ણિમા-સોમ થૈને
પૂરું તારા કોડ ને દોહદોયે.
વર્ષામાં હું કૈં યુગોનો વિયોગી
દોડ્યો આવું, વજ્રપાતે હું ભેટી,
આંસુ-ધારે ભીંજવું બેયને હું.
આશ્લેષોમાં શીતનાં મૃત્યુ પીવાં.

હેમંતે પી ઓસનાં અમૃતોની
પ્યાલી, ઘેને આંખડી રાતી થાતાં,
કુંજે કુંજે મ્હાલશું કો’ વસન્તે.
પાયે તારે ઝાંઝરી નિર્ઝરોની,
ક્યારે ક્યારે વૃક્ષ ને વલ્લીઓમાં,
તારું શોભે વન્ય કન્યાત્વ, બાલે !

લાવા-જ્વાલા-કંકણો ક્યાંક ધારે,
સહરા જેવા આતપોનાં રણોએ,
ઉગ્રા જાણે ચંડિકા કાલિકા તું.

સસ્યે શોભે કામધેનું સમી તું,
દૂઝે જેવી દેવ ક્યારે ન પામ્યા,
એવી સાચે તું શિવા, બ્રહ્મકન્યા !
સૃષ્ટિનાં બ્રાહ્ય મુહૂર્તે, પ્રકૃતિ મેં તને કરી
પાણિગ્રહણથી મારી –
લગ્ન પહેલું, મનસ્વિનિ !


0 comments


Leave comment