6 - સ્મરણો / હરિશ્ચંદ્ર ભટ્ટ


મારે હૈયે રોજ જાગે સવારે
આશાઓ ને રોજ સંધ્યા વિતે ત્યાં
દાટે એને રાત્રિની ગાઢશાન્તિ,
જેવું કોઈ હિમ-પ્રલયમાં બાલપંખી દટાતું.

આંબો મ્હોર્યે પાંગરે આશ સૌની,
મારે આંબે મોર આવે, ન આવે;
આવે તો યે જેમ વીતી વસંતે
દાઝી તાપે એ ખરે, તેમ મારે.

મેં જોયો છે કેસુડાને ઉમંગે
રાચ્યો જોઈ ફૂટતી પાંદડીઓ,
ડાળે ફૂલો આવતાં એ કસુંબી
ધારી શોભે નવલ કલગી યૌવનોલ્લાસ – રંગે

જોઉં મારા બાળને પ્રેમથી જે,
સોનેરૂને ને દીઠો હેતથી એ;
એનાં પીળાં ફૂલ વશાખ માંહે
ખીલે છે ને, એ વધારે ગરીને,
નાચે, રાચે મુજ ઉર લઇ અંજલિ એની ભાવે.

વર્ષોથી મેં વીચિમાલા નિહાળી
આવી હેલે ભીંજવે જે કિનારો.
વેળુ કોરી નીર પાછાં જતાં એ.
આવી કૈં કૈં ઊર્મિ હૈયાકિનારે
તો યે રેતી સમું એ કદિય નહિ થયું આર્દ્ર એ નીર ઝીલી.

આજે મારાં અશ્રુની દોર ગૂંથી
લેવો મારે તાગ ઊંડી ગુહાનો,
વર્ષો કેરી, એથી યે કૈં યુગોનાં
સ્મરણો કેરો – ને તૂટે દોર મારી.....


0 comments


Leave comment