2 - પ્રકરણ ૨ જું - આશાદાન / સવિતા સુંદરી / ઈચ્છારામ દેસાઈ


ખળ બઢઈ બલ કરિ થકે, કટૈ ન કુબતિ કુઠાર,
આલબાલ ઉર ઝાલરી, ખરી પ્રેમ તરુઠાર.
[ બિહારી સતસૈ.]

કબિત.
દેખતહી મૂરતિ મધુર મનમોહનકી,
નૈનનકે મિલૈ મિલો મન અવદાત હૈ;
આલબાલ ઊર તે પ્રગટ ભયે પ્રેમતરુ,
દિનદિન ઝાલરતુ અતિ સરસાત હૈ;
તાહિ દૂરિ કરબૈઠો કિતને લખનખગિ,
કુબતિ કુઠાર ગહિ, કીની ઉતપાત હૈ;
કહે કબિ કૃષ્ણ સબૈ, થાકે અતિ બળ કરિ,
નેક ન ઘટત ત્યોં ત્યોં દ્રઢ હોત જાત હૈ,
[કવિ કૃષ્ણ.]

    વિષ એકવાર મસ્તકમાં ચઢ્યું તો પછી તેની ચિકિત્સા કરવી વૃથા છે. સુંદરીને કહેલાં ઉપદેશવાક્ય અસાધ્ય રોગમાં જેની ઐાષધની અસર થાય તેવાં થઇ પડ્યાં. સુંદરી તેની માતાની કહેલી સર્વ વાર્તા મન દઇને સાંભળે છે, ને તે પ્રમાણે વર્તવાને મનમાં દૃઢ પ્રતિજ્ઞા પણ કરે છે, પણ ઘડી પછી સર્વ પ્રતિજ્ઞા વૃથા થઇ જાય છે: તેનું મન તેના હાથમાં નથી. વેહતી નદીને પથાન્તર ખોદીને અનાયાસે નવીન માર્ગે લઇ જવામાં આવે તો તે બની શકે, પણ જોસબંધ વહેતા નદીના પ્રવાહને નિર્માણ કરેલા માર્ગથી પાછો કોઈપણ વાળી શકતો નથી. સુંદરીના મનને પાત્રાન્તરની વાતો કહીને વિમુગ્ધ કરી શકાય તેમ હતું, પણ ગુણવંતગૌરીએ તેમ નહીં કરતાં, તેના મનમાંથી એ વાતજ કાઢી નાંખવાનો પ્રયત્ન કીધો તેથી તે પ્રયત્ન વ્યર્થ ગયો. નદીના પ્રવાહને સુકો કરવાનો જેવો પ્રયત્ન નિષ્ફળ જાય તેમ આ વાત થઇ પડી.

    ગુણવંતગૌરીએ જોયું કે તેની કન્યાના હૃદયમાંથી એ વાત કાઢી નાંખવાનો પ્રયત્ન નિષ્ફળ નિવડ્યો છે, ત્યારે તેણે પોતાના ભાઇને સવીતાશંકરની વાર્તા પુન: કરી. સવીતા સર્વાંશે સુપાત્ર છે, પણ તેની સાથે સુંદરીને વિવાહ કરવાથી વિગ્રહાનંદના કુળને ખાંપણ આવે તેથી ગુણવંતગૌરી વિચારમાં પડી છે. પણ વિગ્રહાનંદના કુળને ગમે તેમ થાય તેમાં ગુણવંતગૌરીને શું સ્નાનસૂતક છે ? ગુણવંતગૌરીને પુત્ર નથી કે કુળની ખાંપણથી તેને કંઈ હાનિ થાય. તેમ કુળવંતપણામાં -માત્ર નામના કુળવંતપણામાં પરણવાથી તેનો અવતાર એળે ગયો છે, એટલે તે કુળ કરતાં ગુણને વધારે ચાહે છે. કુળ રહેવાથી તેના શોક પુત્રને આબરૂ મળે, તેથી તેને પોતાને તો કંઇ લાભ જ નથી, ને કુળના મિથ્યાભિમાનને લીધે તે પોતાની પુત્રીને કોઇ અંધારા કુવામાં નાંખવાનું ડાહાપણ ધારતી નથી. આ વાત તેણે પોતાના ભાઇને કહી.

    ગોકુળરાયજીએ પોતાની બેહેનનો આવો વિચાર જાણીને કહ્યું, “કુલીનના કુળનો નાશ કરવો એ મહાપા૫ છે; ને તેમ કરવાનો પ્રયત્ન કરવો એ ઉચિત કર્મ નથી.”

    ગુણવંતગૌરીએ કહ્યું, “એમ છે તો ભલે તેમ કરો, કોઇ કુળવંતને મારી પુત્રી પરણાવો; નાંખો કોઇ અંધારા કૂવામાં. પણ જો તમો સર્વે, કોઇ કુળવંત સાથે પણ સુંદરીના વિવાહ સત્વર નહીં કરશો તો પછી હું મારી મરજી પ્રમાણે તેના વિવાહ સવીતાશંકર સાથે કરીશ. હવે હું થોભીશ નહીં, પુત્રી મોટી થઇ છે, તે ચિંતા કરે છે. પુત્રી ને સાપ હવે સાચવવા ભારે છે. હાથી તો દરબારે જ શોભે. હવે સુંદરીને હું કુંવારી જોવાને રાજી નથી.”

    ગેાકુળરાયજીએ કહ્યું, “બેહેન, જરાક દશબાર દિવસ થોભો, જ્યારે આટલા દિવસ ગયા ત્યારે દશબાર દિવસમાં કંઇ ખાટુંમોળું થતું નથી. હું એક પત્ર લખીને વિગ્રહાનંદને તાકીદથી પુછાવી જોઊં છું.”

    ગુણવંતગૌરી બોલી, “ભાઈ, તું કહે છે તો ઠીક, હું થોભું છું; પણ યાદ રાખજે કે હું હવે બારથી વધુ દિવસ થોભીશ નહીં, તમારે પત્ર લખવો હોય તો લખો, ને તાકીદ કરો. આવતી અક્ષયત્રતિયાનો દિવસ રૂડો છે, મંગળકારી છે, તે દિવસે જો તમો સુંદરીના લગ્ન કરશો નહીં તો હું મારી મરજીથી કરીશ, પણ યાદ રાખજો ભાઇ, કે કોઈ બુઢ્ઢાઠચરા મૂર્ખ, પાંચસાત સ્ત્રીવાળા કુળવંતને મારી એકની એક લાડકવાઇ પુત્રીનું કન્યાદાન આપવા કરતાં હું મારી પુત્રી સાથે જળવાસ કરીશ.”

    ગેાકુળરાયજીએ કહ્યું, “બેહેન, તું કહે છે તે ઠીક છે. દશ દિવસ તું જીવને શાંત કરીને બેસ, પછી જેમ ઈશ્વર ઇચ્છા હશે તેમ થશે, હું આજે જ મારા બનેવીને પત્ર લખું છું; ને ધારૂં છું કે દશ દિવસમાં બેશક તે પત્રનો પ્રતિઉત્તર આવશે.”


0 comments


Leave comment