3 - પ્રકરણ ૩ જું - કુળ / સવિતા સુંદરી / ઈચ્છારામ દેસાઈ


દોહરા.
વૃથા નેમ તીરથ ધરમ, દાન તપસ્યા આદ્ય;
કોઈ કામ નવ આવશે, જાણો મિથ્યા વાદ્ય.
જગ રિઝવવા ઠાઠ એ, જપતપ પૂજા પાઠ;
સ્ત્રીનું જ્યાં સન્માન નહીં, એ સૌ સુકા કાઠ.

    આ વાત આટલેથીજ અટકી. ગોકુળરાયજીએ વિગ્રહાનંદને પત્ર લખ્યો છે, ને તેઓ પ્રતિઉતરની વાટ જુએ છે.

    હવે આણી પાસે જેમ સુંદરીના મનમાં, સવીતાના દર્શનથી તેની સાથે લગ્ન થાય તે ઘણું રૂડું એવું આવ્યું હતું, તેજ પ્રમાણે સવીતા શંકરના મનમાં પણ એમ આવ્યું હતું, કે જો આ કન્યા સાથે મારાં લગ્ન થાય તો હું પૂર્ણ ભાગ્યશાળી ગણાઉ. બે ત્રણ દિવસ તો તેને એના એજ વિચાર આવ્યા કીધા, પણ પછી વિચાર કીધો કે સુંદરીને પરણવાની આશા એ બેશક દુરાશા છે. તેનું કુળ ક્યાં ને મારૂં કુળ ક્યાં ? મારા કુળની ખાંપણને લીધે મારા મોટેરા ત્રણે ભાઇઓ પણ કુંવારા રહ્યા છે, તો તેમને મુકીને મને કોણ કન્યા આપે ? પણુ કુળ તે શું ? જેઓ ભિક્ષા માંગીને પોતાનો સદા નિર્વાહ કરે, ત્રણચાર સ્ત્રીઓ સાથે પરણે, ને તેમાંની એકને પણ સુખ આપે નહીં, ઘરમાં રોજ મારામાર, ગાળાગાળ થાય, પૈસાની લાલચ માટે પરણવામાં આવે; પણ સ્ત્રી, જે પોતાનું અર્ધાંગ છે તેની કંઈપણ તમા રાખવામાં આવે નહીં, સ્ત્રીના માનપાન નહીં, સ્ત્રી તરફ સદ્ભાવના નહીં, તો શું અવિદ્વાન, મૂર્ખ, મૂઢ, ઢોર જેવાઓ કુળવાનકુલીન, કુળવંત ગણાય ? જે મનુષ્ય અધાર્મિકપણાથી અને મિથ્યા કથનથી ધન મેળવે છે, અને જેઓ સદાસર્વદા પરહિંસામાં, પરદ્રોહમાં મચેલા છે, પરનિંદામાં નિમગ્ન રહે છે, પરઆશા પર નિર્વાહ ચલાવે છે, અને જેઓને બીજા જનસમાજમાંથી દૂર હાંકી કાઢ્યા છે તે સર્વે મારી ન્યાતમાં કુલીન ગણાય છે. પાપકર્મમાં પ્રવૃત થતા જેઓ યત્કિંચિત પણ સંતપ્ત થતા નથી, પ્રતિજ્ઞા પાળવામાં બહુ મોળા હોય છે તેવા આજ ને કાલ અમારા બ્રાહ્મણ વર્ગમાં કુલીન ગણાય છે. ઓ દૈવ ! તેં શો આ અનર્થ કીધો છે કે અમારા આર્યજનોને માટે કુળનું મિથ્યાભિમાન પેસાડી દીધું છે.

    આ પ્રમાણે સવીતાશંકર પોતાના મનમાં વિચાર કરતો ૫ડેલો છે, ને તે સુંદરીની સાથે લગ્ન કેમ થાય તેના વિચારમાં ગુંથાઈ જઈને સોચ કરે છે; તેમાં કુળની વાતનું સમરણ થતાં ઘણો સંતાપ કરે છે. થોડી વારે તેના હાથમાં મહીપતરામ કૃત સાસુવહુની લડાઈનું પુસ્તક આવ્યું, તે પર જ વિચાર કરતાં બોલ્યો કે, “આ પણ કુલીન ઘરની લીલા છે. ઘરમાં સદા કલેશ કંકાશના બી રોપાયલા છે તે કુલીન ! સ્ત્રીઓ જે ઘરની શોભા છે, સ્ત્રીઓ જે ઘરનો શણગાર છે, સ્ત્રીઓ જે ઘરની શ્રીસ્વરૂપ છે, સ્ત્રી અને લક્ષ્મિમાં કંઈ જુદાપણું નથી, તેટલું છતાં અમારા બ્રહ્મ-દેવો સ્ત્રીઓને એક તુચ્છ પ્રાણી તરીકે લેખવે છે; તેના પર અનેક પ્રકારના સંકટ ગુજારે છે. અરે એટલુ જ નહીં, પણ કુલીન જાણીને જેઓને કોઈ બીજી જ્ઞાતોમાં એક પણ કન્યા મળવી દોહેલી થઈ પડે છે તેઓને મારી જ્ઞાતમાં ચાર ચાર, પાંચ પાંચ ને આઠ આઠ સ્ત્રીઓ મળે છે. મારી જ્ઞાતની કોઇ પણ સ્ત્રીને હું સુખી જોતો નથી. તેઓ રોજના રડણા રડનારી છે, ને તેથી જ હું ધારૂં છું કે મારી જ્ઞાત બીજા કરતાં વધારે દુર્બળ છે, વધારે નિસ્તેજ છે. જે ઘરમાં, જે કુટુંબમાં, જે જ્ઞાતમાં, જે નગરમાં સ્ત્રીનું સન્માન નહીં તે ઘર, કુટુંબ, જ્ઞાત કે નગર હમેશાં દુર્બળ, નિસ્તેજ ને આપત્તિ વેઠનારૂં રહે તેમાં આશ્ચર્ય શું ?”

    થોડીવાર વિચાર કરીને વળી સવીતાશંકરે મનને ધૈર્ય આપ્યું; “જો પરમાત્માએ મારી સાથે તેના બેલા બાંધ્યા હશે તો હું ખાત્રીથી માનું છું કે મારાં લગ્ન સુંદરી સાથે જ થશે, પણ જો મારો ને તેનો સંબંધ કર્તાએજ નિર્માણ કીધો નહીં હોય તો પછી મારે વિના પ્રયોજને સોચ શું કામ કરવો ? પણ જોઉં કે હવે શું થાય છે. હાલ તો મારે મારી છેલ્લી પરિક્ષા પસાર કરવાને જ મચવું જોઇયે.”

    પછી સવીતા પોતાના બનેવીની ખબર લેવાને ગયો. તેના બનેવીનું ઘર નરસિંહજીની પોળમાં હતું. ત્યાં જતાં કર્ણોપકર્ણ કંઈ એવી ખબર મળી કે ગુણવંતગૌરીની ઇચ્છા સવીતાશંકર સાથે સુંદરીના લગ્ન કરવાની છે, ને તેથી તેની આશા દુરાશા નથી એમ તુરત લાગ્યું. અગ્નિ પોતાની મેળે જ શાંત પડી જાય તેમ હતું, પણ તેટલામાં તો ગુણવંતગૌરીએ વાયુનું કાર્ય સારીને દિનપ્રતિદિન તે અગ્નિને વિશેષ પ્રજ્જ્વલીત કીધો. સવીતા, પોતાના બનેવીની ખબર લેવાને પહેલા એકવાર આવતો હતો, પણ હવે તે બે ત્રણ ને ચારવાર આવવા લાગ્યો. સવીતાની બેહેન તેને આવતો અટકાવવા ચાહતી હતી, પણ તે લજજાને લીધે કંઈ બોલી શકી નહીં. સવીતાનો બનેવી આખો દિવસ એકલો પડી રેહેતો હતો, અને નેત્રરોગને લીધે તે કંઇ કામકાજ કરી શકતો નહોતો; તેથી કોઇ તેની પાસે બેસીને વાતચીત કરતું તો તેને ઘણો આનંદ થતો હતો; ને તેથી સવીતા નિત્ય નિત્ય વધારે વધારે આવવા લાગ્યો તેથી તેનો બનેવી પ્રસન્ન થયો ને તેથી જ તેની બેહેન તેનો અટકાવ કરી શકી નહીં. લગ્નની લેહમાં સવીતાનો વિદ્યાભ્યાસ આ રીતે હમણાં તો ઘણોખરો બંધ પડી ગયો. તે કોલેજમાં રહેતો પણ મનમાં એમ જ થયા કરે કે ક્યારેને બનેવીની ખબર લેવા જાઉં; ને બનેવી પાસેથી ઉઠીને થોડીવારે પાછા ઘેર જવું પડશે એવા વિચારથી તે ઘણો ઉદાસ થતો હતો. કોઈ વેળાએ ગુણવંતગૌરી મળતી તો તે સવીતાને કહેતી કે, “તમે ભણો, તમારી આશા પાર પડશે,” એમ કહી તેના ઉત્સાહને વધારતી હતી. કોઇ પણ વખતે તેણે એવી વાત તો કાઢી જ નહીં કે સુંદરી સાથે તેના લગ્ન નહીં થઇ શકશે. તે છતાં ગુણવંતગૌરીએ સુંદરીને મોઢે પોતાના મનની વાત નહીં કહી; કેમકે તે જાણતી હતી કે કોણ જાણે શું થાય, પણ ઉલટું તેતો તેને મોઢે એમજ બોલતી હતી કે એ વિવાહ થવો કેવળ અસંભવિત છે; ને તેના મનને નિવૃત કરવાને તે સદા એજ યુકિત કરતી હતી. માતાએાએ પોતાના સંતાનને સમજાવવા ને તેઓનું કાર્ય પાર પાડવાની આ યુકિત રૂડી છે.

    ગોકુળરાયજીએ પોતાના બનેવીને પત્ર લખ્યો હતો, તેનો ઉત્તર દશ દિવસમાં ફરી વળ્યો. વિગ્રહાનંદે તેમાં જણાવ્યું હતું કે એક માસનો વિલંબ કરવો, તેટલામાં કોઈ કુલીન જમાઈને શેાધી લાવીને તેઓ સત્વર વડોદરે આવશે. ગોકુળરાયજીએ બનેવીનો પત્ર બેહેનના હાથમાં આપીને તેને એક મહિનો થોભવાને ઘણું સમજાવી. પણ ગુણવંતગૌરી જાણતી હતી કે જેમ મારા પિતાએ મારૂં અકલ્યાણ હાથે હોરીને મને ખાડામાં નાંખી છે તેમ મારી પુત્રીના હાલ તેનો પિતા કરશે; તેથી તે ઘણી વિમાસણમાં પડી ગઈ. વળી વાતચિતમાં તેણે સવીતાશંકરને કહ્યું હતું કે દશબાર દિવસમાં તમારી આશા પૂર્ણ થશે, તો હવે તેને શું કહેવું ?

    પ્રથમ તેણે સવીતાની બેહેનને ઘણી સમજાવી, પત્રનો મર્મ કહ્યો, પણ આ વાત જાણતા તેની બેહેન ઘણી નિરાશ થઇ ને સુંદરી સાથના પોતાના ભાઇના લગ્નની આશા હવે તો તેને પૂરી દુરાશા સમાન સ્પષ્ટ જણાઇ; ને તેથી તેણે આ વાત પોતાના ભાઇને કહી નહીં.


0 comments


Leave comment