1.1 - પૂર – ૧ / રાજેન્દ્ર પટેલ
અંદર પડેલો છે દુકાળ
ને બહાર છે ધસમસતું પૂર,
ભીતરના ખવાણની ખીણો વચ્ચે
ઊભરાયાં છે આદિમ અંધારાનાં રૂપ.
ધણી વગરના ધણની જેમ આવેલાં આ પૂરથી ડૂબી ગયેલાંને
ઉગારવા આવ્યાં છે ગઈકાલનાં અજવાળાં.
પૂરમાં તણાતો તણખલાનો તરાપો
ડૂબી ગયો છે કાળના પૂરના બુંદબુંદમાં
એને બચાવવા આવ્યું એક ધોળું ધોળું પૂર.
જે બચાવે છે એ જ બચે છે આ પૂરમાં.
અને આદરે એક નવા કાંઠાની શોધ.
0 comments
Leave comment