1.2 - પૂર – ૨ / રાજેન્દ્ર પટેલ
આ તપ એવી ગાંડુતૂર પૂર
કશી જ ખબર પડે એ પહેલાં
પળમાં તાણી જાય છે
એ જોજનોનાં જોજન
આપણને આપણાથી દૂર.
આખી જિંદગીમાં એક વાર નહીં
અનેકવારે નહીં
પણ, ક્ષણેક્ષણે ઢસડી જાય છે
કાળોતરું પૂર.
નદીનું પૂર આવે ને જાય
આ તો એવું પૂર જે ખસતું નથી
તસુયે આગળ.
ખેંચી જાય
માલમિલકત ને માણસો માત્ર નહીં
પણ ઢસડી જાય છે
સઘળું મૂળસોતુંક
જે પૂર્વજોએ ધરબ્યું’તું તળિયે
પાસે, અંદર, હાથવગું બધુંય,
ખેંચી જાય છે અજાણ્યા કિનારે.
અંદર છે પાર વગરના કાંઠા,
કાંઠેકાંઠે ઊમટ્યાં અકળ કાળાં પૂર.
પૂરમાં તો કોઈક બચાવે
આ તો પાસે ઊભેલાંને
ખબર પડે નહીં કે કોઈ તણાય છે.
આ પૂર વગરના પૂરમાં
આપમેળે ડૂબવાનું,
આપમેળે તરવાનું
આપમેળે બચવાનું
આપણે જ આપણાથી.
0 comments
Leave comment