1.5 - પૂર – ૫ / રાજેન્દ્ર પટેલ
કારાવાસમાં જે જન્મે
અને પારાવાર યાતનામાં જે ઊછરે
એનો જ અંગૂઠો કામમાં આવતો હશે ?
કે પછી પળના કેદીઓને
પડી ગઈ ટેવ આ પૂરની ?
કે પછી શું યાતનાએ ઓળંગ્યો નથી ઉંબરો ?
થતી નથી કોઈ આકાશવાણી,
તૂટતી નથી કોઈ બેડી
અંધારાના પૂરમાં જડતી નથી કોઈ કેડી.
બસ જામ્યું છે એક પૂર
નસનસમાં એ
શેરી શેરીમાં ને
શહેરશહેરમાં એ.
નક્ષત્રો નાથી શકતાં નથી એને.
આ પૂરને
હાંસિયામાં રહેલા તારાઓ ખાળી શકતા નથી.
ભઈલાઓ,
આ પૂર તો છે બંધ આંખોનું
આ પૂર તો છે ઠાલા શબ્દોનું
આ પૂર તો છે આપણા હોવાપણાના ડોળનું
પાણીનું પૂર પળમાં શમે
પણ રણના આ પૂરનું શું ?
ટોપલો ભરીને ગંદકી લઈ જતા લોકોના હાડમાં
વહેતા પૂરનું શું ?
આ પૂર પાયમાલ કરે છે
આખેઆખી વસતીને
અને
મોં વકાસી જોયાં કરે
નખ્ખોદિયા કાળકાંઠા.
ક્યારે ઊતરે આ પૂર ને
ક્યારે પુગિયે પેલે પાર ?
રાહ જુએ એકએક માણસને
ગૂંગળાય પૂરમધ્યમાં હોય એમ.
છતાં, છેતરે છે આ પૂર એમ, છેતરીએ આપણે આપણને.
પૂરનાં પારાવાર દુઃખ રચે છે એક એવું પૂર.
જે ડુબાડે છે ને ડૂબે છે, જાણે સ્વયં સ્વયંમાં,
છતાં રચાતો નથી કોઈ કિનારો
દેખાતો નથી જ કોઈ છેડો
આ પૂરનો અને આ પંડનો.
જે પડી જાય છે અને ખવાય છે.
એ પંડ જળમાં નથી.
0 comments
Leave comment