5 - अनलुप्ता सरस्वती ? / હરિશ્ચંદ્ર ભટ્ટ


[અવશેષતણી કીર્તિ ગાવાની ના સ્પૃહા જરા.]

(૧)
વસંત આવ્યો નવ-પ્રાણ પૂરતો,
ને કેસૂડો રંગભર્યો વધાવતો !
શિશિરનું મૃત્યુનું શીત ટાળવા
હોલિકા પર્વણી આવે સુખ સંપત્તિ સ્થાપવા !

ફાલ્ગુની ફાલ્ગુની આવે પૂર્ણિમા કુંભમાં ભરી
કૌમુદી અમૃતા, સૃષ્ટિ રસરાગે નવાડતી.
પૂર્ણિમા અજવાળે છો સૃષ્ટિને અમિવર્ષણે,
ઉષાથી અદકું તો યે તેજ એનું નથી કદી.

(૨)
પ્રાત:સવન ઉદ્દઘોષે બ્રહ્મબાલ વધાવતા
સ્વર્ગની દિવ્ય પુત્રી જે સનાતન કુમારિકા.
“अजरा अमरा देवा” –
“समिधाग्नीन्दू वस्यत”
ભાષા, ને વેદની દીક્ષા લઇ બ્રાહ્મણબાળકો
શેરીને કોઈ ખૂણેથી પ્રતીતિ એક આપતા.
અરણ્યે વેદના મંત્રો શામ્યા તે ગ્રામમાં અહીં,
આઘેથી યજ્ઞવેદીની ઝીંખી આછી ઉંચે જતી
ધુમ્રરેખા સમા આવે ધ્વનિઓ એમ આજ આ.
યાજ્ઞેયો અગ્નિહોત્રી થૈ ગોષ્ઠથી ગામમાં વસ્યા,
ગામમાં યે શમ્યા શબ્દો સંસ્કૃતિનીર ઓસર્યા.
દૂરથી પવને આણી મિષ્ટ ગંધ સમી રહી
સંસ્કૃતિ શબ્દમાં એવી સુગંધી પારિજાતની.
ધાન્યભારે ભરેલી વા વસૂકેલી ધરિત્રીને
છોડતાં ગામડે શામ્યા સંસ્કૃતિમંત્ર ભારતે;
જ્ઞાનના બોધનારા, ને, જ્ઞાનેપ્સુ ત્યાં રહ્યા નહિ,
પર્ણહીન થએલા કો વડની વડવાઈમાં
નીડ બાંધી રહેવાને પંખી કો જેમ ના’વતું.

“ब्रह्मतेजो वृद्धिरस्तु” –

આંગણે બોલતા આવી વિદ્યાર્થી થોભતા જતા,
ગૃહિણી ગૃહકન્યા વા સંતોષે અન્ન આપતાં.
જ્ઞાનનાં ભિક્ષુઓ આજે આંગણેથી ટળ્યા સદા.
તાપી ને નર્મદા વચ્ચે ‘સેના’ ને તટ ગામમાં
જ્યોતિષી, વૈદ્ય, વેદાંતી કર્મકાંડી અહીં હતા.
શમ્યા ઘોષ, શમ્યાં વારિ, ખારી આ ધરતી મહીં;

સમિધ કે ઈન્ધન લાવવાને
હવે નથી કૈં વનમાં જવાનું.
વચ્છને ઝંખતી કોઈ ભાંભરે ગાય તેમ આ
આરણ્યની બ્રાહ્મણની સુવિધા
નચિકેતા સમા કોઈ ઝંખતી બ્રહ્મબાલને.

આશ એમ ફલિતાર્થ એ થવા,
મોકલે બટુક એકને વિધિ.
રે, પરંતુ સ્મૃતિશેષ સૌ થવા,
કાલ ! તેં જ ઉપહાસ એ કર્યો.

(૩)

[પશુપતિ ન. ભટ્ટને]

કોદંડી, ઓ પરશુરામ સમા યુવાન
દીઠો તને નયનનાં અમીથી બધાએ.
કાંટાના ઝાંખરાં માંહી લીલી દૂર્વા સમો તને
જોતા થતું અમ સુભાગ્ય ઉગ્યું હવે શું?
સ-લુણી આ ધરતી મહીં આંબલો,
તપ કઠોર કરી કરી, જ્ઞાનનો
જરૂર તું ઉગવી મહૉરાવશે,
આંબાના પાનનાં બાંધી તોરણો જ્ઞાનપર્વણી
ઉજવશે પ્રકટાવી હુતાશને.
****
અગ્નિહોત્રી થઇને તેં ઇન્ધનો કાશીધામથી
આણ્યાં, ને સ્થાપવા અગ્નિ હજુ તો તું મથી રહ્યો.
પ્રયત્ને પ્રેયસી કીધી લાડલી બ્રહ્મપુત્રી તેં,
ભગીરથ થઈને તેં અમારું ઋણ ફેડિયું.
વેદાંતી, વૈયાકરણી, શ્રદ્ધા ને ભાવનાભર્યા
જાહ્નવી જલમાં ન્હાઈ અંજલિ એની તેં લઇ
તર્પ્યા પિતૃ, થયો બ્રહ્મા અમારા જ્ઞાનયજ્ઞનો.

(૪)
શરદ વીતી, શિશિર વીતે અને
નવવસંતનું ચેતન સ્પર્શતું :
ઉભરતી સીમ ધાન્યધને, અને.
હોલિકા પર્વણી આવે સુખ સંપત્તિ સ્થાપવા.

હોલિકા પર્વણી પ્હેલાં અમારા ઋત ઓસર્યા.
બ્રહ્મપુત્ર અમારો એ યાત્રી ઉત્તરનો થયો.

‘સેના’ તટે અમ સહુયનું તીર્થધામ,
સૂતો તહીં ચિર વિદાય લઇ અમારી.
ત્યાં પૂર્વજો મહીં તું પૂર્વજ એક છેલ્લો,
રે ! પૂર્વજો મહીં તું પૂર્વજ સૌ પહેલો !

ભાવે ભીના ચખે સૌ તુજ સ્મૃતિ તરપે આજ વૃદ્ધો યુવાનો.

(૫)
સેના ! તારાં જલ અહીં ઢળે અબ્ધિનાં નીર માંહીં,
સેના, પૂછું કદિય ઉભર્યા મીઠડાં વારિ આંહીં ?
સેના, પૂછું અહીં તું રવડે કૈંક વર્ષોથી, પૂછું :

સ-લુણી ધરતી માંહીં, સેના, તું ઓસરે અહીં,
એવી આ ધરતીમાંહીં અમારી ભાવનાતણી
अत्र लुप्ता सरस्वती ?


0 comments


Leave comment